રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં સરસ્વતિબેન ભગોરા અને કોન્સ્ટેબલ વીમલેશ રાજપૂત પાસે થોડા સમય પહેલાં ચોરીની ફરિયાદ નોંધાવવા માટે અરજદાર આવ્યા હતા. જોકે, આ બન્નેએ ફરિયાદ લેવાની જગ્યાએ અરજદાર પાસેથી માત્ર અરજી લઈને તપાસ શરૂ કરી દીધી હતી. આ બન્ને અરજીના આધારે તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખ્યો હોવાથી બેદરકારી ધ્યાને આવી હતી. આ વાત પોલીસ કમિશનરના ધ્યાન ઉપર આવતાં જ તેમણે તાત્કાલિક અસરથી બન્નેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
તમામ સ્ટાફે શિસ્તમાં રહેવા CPનો આદેશ
બન્ને સસ્પેન્ડ થતાં જ સમગ્ર રાજકોટના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અંદાજે પાંચેક મહિના પહેલાં બી-ડિવિઝન પોલીસ મથકના બે પીએસઆઈને સ્ટેશન ડાયરીની નીભાવણી નહીં કરવા બદલ પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ કમિશનરે સ્ટાફને સ્પષ્ટપણે આદેશ આપી દીધો છે કે તમામે શિસ્તમાં રહેવું પડશે, અન્યથા સસ્પેન્ડ થતાં વાર નહીં લાગે.
અક્ષરનિધિ શરાફી મંડળીએ 24 લાખનું ફુલેકું ફેરવ્યું
રાજકોટમાં વધુ એક વખત વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોને પોતાની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. અક્ષરનિધિ શરાફી મંડળીમાં 8 જેટલા રોકાણ કરનારા લોકોને પોતાની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં એક લાખ રૂપિયાથી લઈને આઠ લાખ રૂપિયા સુધીની રકમ ગુમાવી હોવાનું સામે આવ્યું છે અને કુલ 24 લાખ રૂપિયાનું ફુલેકુ શરાફી મંડળી દ્વારા ફેરવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2017થી આ મંડળી કાર્યરત હતી. રોકાણકારોને તેમના રૂપિયા પરત ન મળતા લોકો શરાફી મંડળીની ઓફિસે પહોંચ્યા હતા. જોકે ત્યાં તાળા લાગેલા જોવા મળતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મંડળીના બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજેશ ચાવડા અને હરેશ ચાવડા સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે હરેશ ચાવડાની ધરપકડ કરી રાજેશ ચાવડાની શોધખોળ હાથ ધરી છે.
હોટલમાં દારૂ પીતા બે શખસ ઝડપાયા
રાજકોટ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક હોટેલના રૂમમાં દરોડો પાડતાં અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ પછી દારૂનું સેવન કરી રહેલા બે શખસની પૂછપરછ કરવામાં આવતાં એકે પોતાનું નામ સેન્થલીકુમાર રંગાસ્વામી (ઉં.વ.44) તો બીજાએ પોતાનું નામ રણજીતે જર્નેલસીંગ (ઉં.વ.39) હોવાનું જણાવ્યું હતું. રણજીતે જણાવ્યું હતું કે તે અને સેન્થલીકુમાર બેન્ક કન્સલ્ટન્સીનું કામકાજ કરતા હોય તે કામ અર્થે જ રાજકોટ આવ્યા હતા. જ્યારે તેમની પાસે રહેલી દારૂની બોટલ તેમણે મુંબઈના એક બારમાંથી ખરીદ કરી હતી અને આ પેટે તેણે ગૂગલ-પેથી ચૂકવણું પણ કર્યું હતું.
પરમીટ ન હોવાથી પોલીસે બન્નેની ધરપકડ કરી
આ પછી દારૂની બોટલ લઈને બન્ને ટ્રેન મારફતે રાજકોટ પહોંચ્યા હતા અને અહીં હોટેલમાં રૂમ બુક હોય ત્યાં ઉતરીને દારૂ પીવાનું શરૂ કર્યું હતું. જોકે, નિયમ પ્રમાણે અન્ય કોઈ રાજ્ય કે જ્યાં દારૂબંધી નથી ત્યાંની કોઈ વ્યક્તિ રાજકોટ કે ગુજરાતમાં આવીને દારૂનું સેવન કરે તો તેમણે પરમીટ મેળવવાની હોય છે. જે પરમીટ આ બન્ને પાસે ન હોવાથી પોલીસ દ્વારા બન્નેની તાત્કાલિક ધરપકડ કરીને તેના કબ્જામાં રહેલો 100 એમએલ દારૂ કબ્જે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.