દુઃખદ:જાણીતા કટાર લેખક જય વસાવડાના પિતાનું 85 વર્ષની વયે રાજકોટમાં મોડી રાત્રે નિધન

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પિતા સાથે જય વસાવડાની તસવીર. - Divya Bhaskar
પિતા સાથે જય વસાવડાની તસવીર.
  • રાજકોટ સ્થિત નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી

જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ વક્તા જય વસાવડાના પિતા લલિતભાઈ વસાવડાનું ગત મોડી રાત્રે દુઃખદ અવસાન થયું હતું. 85 વર્ષની વયે લલિતભાઇએ અંતિમ શ્વાસ લેતા મીડિયાજગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. જય વસાવડાના રાજકોટ સ્થિત નિવાસસ્થાને પિતાનો પાર્થિવદેહ લાવવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં ચાહકો અંતિમયાત્રામાં જોડાયા
જય વસાવડાના પિતા લલિતભાઈની આજે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં જય વસાવડાના મોટી સંખ્યામાં ચાહકો જોડાયા હતા. પિતાના નિધનથી વસાવડા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રાજકોટ અને અમદાવાદમાં પ્રાર્થનાસભા
રાજકોટમાં 22 ઓક્ટોબરને શુક્રવારે સવાણી હોલ, કોટેચા સર્કલ પાસે બપોરે 4થી 6 દરમિયાન અને 24 ઓક્ટોબરને રવિવારે અમદાવાદ ખાતે પૂ. માધવપ્રિયદાસજીની નિશ્રામાં છારોડી ગુરુકુળ, એસજીવીપી કેમ્પસ, નિરમા યુનિ. સામે, એસ.જી. હાઇવે ખાતે સાંજે 5થી 7 દરમિયાન પ્રાર્થનાસભા રાખવામાં આવી છે.

જવાહરલાલ નેહરુના હસ્તે સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો
લલિતભાઈ વસાવડા જૂનાગઢમાં એમની લેખન વક્તૃત્વકળા માટે યુવાનીમાં જાણીતા હતા. જવાહરલાલ નેહરુના હાથે એમને સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો. ત્યારબાદ ભાવનગર અને પછી ગોંડલ ખાતે સ્થાયી થયા હતા. સ્વ. જયશ્રીબહેન સાથેના સ્નેહલગ્નના એકમાત્ર સંતાન તરીકે જય વસાવડાને એમણે રોજનું એક પુસ્તક આપી શાળાએ મોકલ્યા વિના વ્હાલથી ઘડતર કર્યું હતું. મોટી ઉંમરે એમને જેનો હજુ કોઈ ઈલાજ નથી એવો પાર્કિંન્સન્સ રોગ થયો હતો. છતાં એ મોજથી જીવતા હતા.

લલિતભાઈ કોરોનાને પણ માત આપી ચૂક્યા હતા
ગત દિવાળી પર કોરોનાને લડત આપી બેઠા થયા હતા. પણ છેલ્લા મહિનાઓમાં એસ્પિરેશનલ ન્યુમોનિયાને લીધે રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઘેર આનંદથી પાછા ફરેલા પણ હૃદય અને ફેફસાં નબળા પડ્યા અને હઠીલું ઇન્ફેક્શન થયું હતું. સદાય શાંત અને સાહિત્યકળા રસિક સ્વભાવના સંભારણા સ્વજનોમાં મૂકી એમણે ચિરવિદાય લીધી છે.