તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીસીનો ‘વહીવટ’:PVC, રજિસ્ટ્રારને કોરાણે મૂકી એન્જિનિયરની ભરતી કરી દીધી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગ્રાન્ટમાંથી ખર્ચ મંજૂર ન કરી શકાય છતાં 45 હજારનો પગાર નક્કી કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. પેથાણીએ રજિસ્ટ્રાર અને ઉપકુલપતિની નોંધને ફગાવી દઇ પોતાની રીતે એન્જિનિયરની કરાર આધારિત 11 માસ માટે ભરતી કરી દેતા વિવાદ ઊભો થયો છે. બે સિન્ડીકેટ સભ્યએ આ મુદ્દે કુલપતિને પત્ર પાઠવી એન્જિનિયરની ભરતી રદ કરવા જણાવ્યું છે. અન્યથા આ બાબત ઉચ્ચકક્ષાએ લઈ જવા પણ ચિમકી ઉચ્ચારી છે.

સિન્ડિકેટ સભ્ય ડો.ધરમ કાંબલિયા અને ડો. હરદેવસિંહ જાડેજાએ કુલપતિને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, એપ્રિલ મહિનામાં ભરતી માટે પસંદગી સમિતિની બેઠક મળી હતી. અનેક ઉમેદવારો હોવા છતા બે પૈકી અશોક ગાંધીની જ નિમણૂક કરવામાં આવી છે.પસંદગી સમિતિની બેઠક પૂરી થયા પછી તરત જ તે જ દિવસે વિભાગ દ્વારા નોંધ મુકવામાં આવી કે વરણી સમિતિએ અશોક ગાંધીની નિમણૂક કરી છે તેને મંજૂરી આપવી જોઈએ. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.જતીન સોનીએ આદેશ આપ્યા હતા કે, આઉટ સોર્સિંગ એજન્સી મારફત નિમણૂક કરવી જોઈએ. ત્યારબાદ ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ પણ આ જ દિવસે એટલે કે 5 એપ્રિલે રજિસ્ટ્રારની વાતને અનુમોદન આપતી નોંધ કરી હતી. ત્યાર પછીના દિવસે એટલે કે 6 એપ્રિલે આપના દ્વારા નોંધ મુકવામાં આવી કે, સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ વરણી સમિતિના અહેવાલને ધ્યાને લઈ 11 માસ કરાર આધારિત અગાઉ નોંધ મંજૂર થયા મુજબ નિયમો અને પગાર ધોરણ પ્રમાણે કાર્યવાહી કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી શકે તેમ હોવા છતા બેઠક બોલાવવાનું ટાળ્યું અને કુલપતિએ પોતાની અનુકુળતા મુજબ ઈજનેરની નિયુક્તિ કરી. આ પ્રકારની ભરતી એ બેકડોર એન્ટ્રી ગણાય અને આ ભરતીને કારણે પગાર ખર્ચ રાજય સરકાર ગ્રાન્ટમાંથી આપતી નથી. આમ છતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આર્થિક રીતે નુકસાન કરતો નિર્ણય કરી અને મનગમતા વ્યકિતને બાંધકામ વિભાગની મહત્વની જવાબદારી સોંપી છે.

કરાર આધારિત એન્જિનયરની ભરતી કરાયા બાદ રૂ.45 હજારનો પગાર નક્કી કરાયો છે. તે પણ ગેરકાયદે છે. કારણ કે, સરકારી ગ્રાન્ટમાંથી આટલી રકમનો પગાર ન આપી શકાય. આમ છતાં છેલ્લા બે મહિનાથી યુનિવર્સિટી અશોક ગાંધીને પગાર ચૂકવે છે.

યુનિવર્સિટીમાં કાયમી એન્જિનયર છે જ. જો ગાંધીની નિમણૂક કરવી જ હોય તો તેને દવેની અન્ડરમાં કામગીરી સોંપવી જોઈએ. પરંતુ કુલપતિએ માત્રને માત્ર કૌભાંડો કરવા અને લાગતા વળગતાને તેમજ ટૂંકાગાળામાં જ ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે વધુ એક વખત સત્તા મળે તે માટે આવું કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

યુનિવર્સિટી કેમ્પસમાંથી રૂ.20 લાખની માટી ખોદીને બાંંધકામ કરી નાખવાના જે આક્ષેપ થયા છે તે અંગે પણ તપાસ કરાય તો અશોક ગાંધી અને કુલપતિ બન્નેની શંકાસ્પદ બાબતો ઉજાગર થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...