તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:એક વર્ષ બાદ બજારમાં ખરીદી, 50% થી વધુ નુકસાનની ભરપાઈ થતા વેપારીઓને રાહત

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીમાં હવે કરોડો રૂપિયાની ખરીદી થવાની વેપારીઓને આશા

જન્માષ્ટમીના ચાર દિવસના વેકેશન બાદ આજથી બજારો પૂર્વવત થરૂ થઈ જશે. કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી બજારમાં ખરીદી ઓછી થઇ ગઈ હોવાનું જણાવતા વેપારીઓ માટે જન્માષ્ટમી રાહત રૂપ રહી હતી. વેપારીઓના જણાવ્યાનુસાર બજારમાં એક વર્ષ બાદ ખરીદી નીકળી હતી. આ ખરીદીને કારણે કોરોનાની મહામારીને કારણે જે નુકસાની ગઇ છે તેની 50 ટકા સુધી ભરપાઈ થઈ છે. જો હવે ત્રીજી લહેરના આવે અને બજારની પરિસ્થિતિ રાબેતા મુજબની રહે તો બાકીની નુકસાની દિવાળી સુધીમાં ભરપાઈ થઇ જશે. હવે તહેવારની સિઝન શરૂ થતી હોય વેપારીઓ ગણેશોત્સવ, નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે.

રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના જણાવ્યાનુસાર કાપડ બજારમાં અંદાજિત એક વર્ષ બાદ આ પ્રકારની ખરીદી નીકળી છે. આ ખરીદીનો પ્રાંરભ રક્ષાબંધન પૂર્વેથી થયો હતો. જે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા એટલે કે સાતમ સુધી ચાલુ રહી હતી. આ તહેવારમાં ફરવા જવાનું હોય લોકોએ ખરીદી માટે રૂ. 500થી લઇને રૂ. 2 હજાર સુધીનું જ બજેટ ફાળવ્યું છે. લગ્નની સિઝન પૂર્વે હવે ખરીદી નીકળશે.જેમાં ખરીદી માટે મોટી રકમના બજેટ લોકો ફાળવે તેવી સંભાવના છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં કાપડ માર્કેટમાં રૂ.1 કરોડથી વધુ રકમનો વેપાર થયો છે. જો દિવાળી સુધી આ પ્રકારની ખરીદી રહે તો બાકીનું નુકસાન ભરપાઈ થઈ જશે.

કોરોનાની મહામારી બાદ છેલ્લા કેટલાક વખતથી બંધ પડેલ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીઝને જન્માષ્ટમી ફળી છે. કોરોનાની બીજી લહેર પછી પેહલી વખત રૂ.100 કરોડનું બુકિંગ થયું છે. જેમાં નજીક અને દૂરના બન્ને સ્થળોએ ફરવા જવા માટે લોકોએ પસંદ કર્યું હતું. આ સિવાય ફરસાણ- ખાણીપીણીની હોટેલ- રેસ્ટોરન્ટમાં પણ ભારે ઘરાકી નીકળી હતી. દર વખતની જેમ હોટેલ- રેસ્ટોરન્ટમાં પોતાનો વારો આવે તે માટે લોકો વેઈટિંગમાં બેઠા હતા. જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને ફૂટવેર માર્કેટ, ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક બજારમાં લોકોએ ખરીદી કરી હતી. તેમજ જન્માષ્ટમીના પર્વમાં ફોર વ્હિલર અને ટુ વ્હિલરની ખરીદી થઈ હતી. જન્માષ્ટમીને કારણે બજારમાં ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પરની રોનક પરત ફરી હતી.

કેટલાક વેપારીઓ ખરીદીના ઓર્ડર આપવા લાગ્યા
જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અંદાજિત દોઢ લાખ લોકો ફરવા ગયા હતા. તેમને ફરવાલાયક સ્થળો ઉપરથી ખરીદી કરતા સ્થાનિક રોજીરોટી મેળવતા લોકોને પણ રોજગારી મળી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર ખાસ કરીને નાના વેપારીઓ કે જે દુકાન ભાડે રાખીને કામ કરે છે તેમના ઉપર ખર્ચનું ભારણ વધી ગયું છે. હવે ગણેશ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવ શરૂ થશે ત્યારે દરેક ક્ષેત્રમાં ફરી પાછી ખરીદી નીકળવાની આશા છે. હાલ કેટલાક વેપારીઓએ ઓર્ડર આપી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...