તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:પત્નીના આપઘાત બાદ બારોબાર અંતિમ વિધિ કરનાર પતિને સજા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ 18 વર્ષ પૂર્વે ઝેર પીધું’તું
  • પુરાવાઓનો નાશ કરવાના ગુનામાં કોર્ટે દોષિત ઠેરવ્યો

પત્નીને આપઘાતની ફરજ પાડવાના 18 વર્ષ પૂર્વેના કેસમાં અદાલતે આરોપી પતિ અરજણ વિરજી સાડમિયાને દોષિત ઠેરવી પુરાવાઓનો નાશ કરવા બદલ બે વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. સજાની સાથે અદાલતે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો સેશન્સ કોર્ટના જજ બી.બી.જાદવે આદેશ કર્યો છે.

સરકારી વકીલ સમીર ખીરાએ કેસની વિગત આપતા જણાવ્યું કે, કુવાડવા ગામે રહેતી સરૂ અરજણ સાડમિયા નામની પરિણીતાએ 21-1-2003નાં રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બનાવ બાદ મૃતકના પતિ અરજણ સાડમિયાએ કોઇને જાણ કર્યા વગર મૃતક પત્નીની અંતિમ વિધિ કરી નાખી હતી. જે બનાવ બાદ મૃતકના ભાઇ વલ્લભભાઇએ બનેવી અરજણ સાડમિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, બહેન સરૂને અરજણ સાથે પ્રેમસંબંધ હોય 20 વર્ષ પહેલા તેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

લગ્નના થોડા સમય બાદ જ અરજણ દારૂ પીને અવારનવાર બહેનને માર મારી ત્રાસ આપતો હતો. જે ત્રાસથી કંટાળી બહેને આપઘાત કરી લીધો છે. એટલું જ નહિ બહેન સરૂનાં મોત અંગે પરિવારને જાણ કર્યા વગર વતન મેવાસા ગામે અંતિમ વિધિ કરી નાખી છે. જે બનાવની અરજણે બે દિવસ બાદ જાણ કરી હતી.

કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતની ફરજ પાડવા, ઘરેલુ હિંસાની તેમજ પુરાવાઓનો નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી પતિ અરજણ સાડમિયાની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. દરમિયાન સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા આરોપીએ પત્નીને આપઘાત માટે મજબૂર તો કરી જ છે. પરંતુ બાદમાં અંતિમ વિધિ કરી પુરાવાઓનો નાશ કર્યો છે તે ગંભીર ગુનો હોય આરોપીને આઇપીસી 201ની કલમમાં દોષિત ઠેરવ્યો હતો અને જજે સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...