રાજકોટના મોટી ટાંકી ચોકથી જીમખાના તરફ જવાના રસ્તે મોદી હોસ્પિટલ સામેના રોડ પરથી ધ્રોલના વતની જયેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલાને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પ્રદ્યુમનનગર પોલીસે પકડી પાડ્યો હતો. તેના મોબાઇલ ફોનમાં રોબર્ટ 999 નામની આઇડી હોઇ તેમાં તે આઇપીએલના ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની ટીમના મેચ પર જૂગાર રમતો હતો. તેની પાસેથી રોકડા રૂા. 1300, મોબાઇલ ફોન મળી 16300નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પકડાયેલ આરોપીએ ઓનલાઇન સટ્ટો રમવા આઇડી કોની પાસેથી લીધી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ એઇમ્સનો સિક્યોરિટી ગાર્ડ બાઈક સ્લીપ થતા ઘવાયો
રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જગજીતસિંહ જાડેજાનું વાહન સ્લીપ થતા મોત નીપજ્યું છે. એક મહિના પૂર્વે તેઓ પોતાના વતન વાનાવડ આટો મારવા ગયા હતાં. 10 એપ્રિલ ના રોજ ગામની સીમમાં આવેલા મંદિરે દર્શન કરી બાઇક ચલાવી ઘર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં ઝાકળને કારણે બાઇક રોડ પરથી નીચે ઉતરી જઇ સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજ રોજ સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. જગજીતસિંહ અપરિણિત હતાં. તેમના પિતા હયાત નથી. પરિવારજનોનો તે એક માત્ર આધારસ્તંભ હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાગળો કરી ભાણવડ પોલીસને મોકલ્યા હતાં.
યુવકે ભાઈને 'સવારે ઘરે આવજો, નમો નારાયણ' મેસેજ કરી આપઘાત કર્યો
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે દ્વારકાધીશ-3માં આવેલા ગંગા જમુના સરસ્વતિ એપાર્ટમેન્ટ ફલેટ નં. 104 માં રહેતાં અને દવાની કંપનીમાં એમઆર તરીકે કામ કરતાં વિજયભાઇ અશ્વિનભાઇ જસાણી (ઉ.વ.30) નામના યુવાને પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આપઘાતનું કારણ બહાર આવ્યું નથી
બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિજયભાઇ સિપલા કંપનીમાં એમઆર તરીકે નોકરી કરતાં હતાં. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેના પત્નિ માધવી પુત્રીને લઇને ધોરાજી માવતરે ગઈ હતી જેથી વિજયભાઇ ઘરે એકલા હતાં. ગત રાતે ત્રણેક વાગ્યે તેણે માસીયાઇ ભાઇ યશને મેસેજ કરીને લખ્યું હતું કે-સવારે ઘરે આવજો, નમો નારાયણ. આ મેસેજ મળતાં સવારે માસીયાઇ ભાઇ તેના ઘરે આવતાં બનાવની જાણ થઇ હતી. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
રાજકોટમાંથી બોગસ તબીબની ધરપકડ
રાજકોટ શહેરમાંથી વધુ એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. શહેર SOG પોલીસ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ગોંડલ રોડ પર કોઠારીયા સોલવંટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મેકરણ સુરુ નામના બોગસ તબીબની ધરપકડ કરી મેડિકલના સાધનો તેમજ દવા ઇન્જેક્શન જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 5409 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે વિદેશી બનાવટી સિગારેટનો જથ્થો પકડ્યો
રાજકોટ શહેરમાંથી પોલીસે વિદેશી બનાવટની સિગરેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અક્ષર માર્ગ પર શિવ પાન એન્ડ કોલ્ડ્રીંક નામની દુકાનમાં વિદેશી બનાવટની સિગરેટ રાખવામાં આવી છે જે આધારે રેડ કરી પોલીસે 900થી લઇ 10,000 રૂપિયા કિંમતની અલગ અલગ 10 કંપનીના 147 સિગરેટના પેકેટ કબ્જે કરી આરોપી નિલેશ કેસરિયા પાસેથી કુલ 38,650નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.