શહેરમાં ટ્રાફિકના મુદ્દે પોલીસ અને શહેરીજનો વચ્ચે વારંવાર માથાકૂટ થાય છે, શુક્રવારે તો મહિલા હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઇ વચ્ચે જામી પડી હતી, સંબંધીનું વાહન રોકતા ઉશ્કેરાયેલા પીએસઆઇએ કાયદો હાથમાં લીધો હતો, સમગ્ર મામલે એસીપી ટ્રાફિકને તપાસ સોંપાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મીતાલીબેન ઠાકર શુક્રવારે ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક વાહન પસાર થતાં મહિલા કોન્સ્ટેબલે તેને અટકાવ્યું હતું, મહિલા પોલીસે વાહનચાલક સામે દંડની કાર્યવાહી શરૂ કરતા એ વાહનચાલકે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા તેના સંબંધી હોવાનું કહ્યું હતું, જોકે મહિલા કોન્સ્ટેબલે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી, જેથી તે વાહનચાલકે પીએસઆઇ જાડેજાને ફોન કરતા તેમણે મહિલા પોલીસને ફોન આપવાનું કહ્યું હતું, જોકે મહિલા પોલીસે ફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
મહિલા હેડ કોન્સ્ટેબલ ઠાકરે ફોન પર વાત નહીં કરતાં પીએસઆઇ જાડેજા થોડી જ ક્ષણમાં ઇન્દિરા સર્કલે પહોંચી ગયા હતા અને મહિલા હેડ કોન્સ્ટેબલ ઠાકરને જાહેરમાં ધમકાવતા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા સ્થળ પરથી જ હેડ કોન્સ્ટેબલ મીતાલીબેન ઠાકરે પોલીસ કન્ટ્રોલરૂમ પર ફોન કર્યો હતો અને પોતાની સાથે થયેલી વર્તણૂક અંગે કન્ટ્રોલરૂમમાં વિધિવત રીતે એન્ટ્રી કરાવી હતી, સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને આ મામલે ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાને તપાસ સોંપાઇ હતી. એસીપી મલ્હોત્રાએ જણાવ્યું કે, મહિલા હેડ કોન્સ્ટેબલે વાહન રોકતા પીએસઆઇ જાડેજાએ માથાકૂટ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.