રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં વોર્ડ નંબર 18ના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. પાયાની સુવિધાના અભાવે લોકોએ 'ન્યાય આપો ન્યાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતાં. વોર્ડ નંબર 18ના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અહીં પાયાની સુવિધાનો જ અભાવ છે, જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કોઠારિયા રોડ પર આવેલ સનાતન સોસાયટીના સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ન્યાય આપોની માંગ કરી હતી.
વોર્ડ નં.18માં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે
રાજકોટના વોર્ડ નં. 18ની વાત કરીએ તો આ વોર્ડમાં સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો રહે છે. કોઠારીયા ગામમાંથી આ વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને અહીં લોકોએ વસવાટ કર્યો છે. 10થી 15 વર્ષના સમયમાં આ વોર્ડની સોસાયટીઓ બનેલી છે. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે તે છે.
આ સિવાય ઠેર ઠેર ગંદકીના ઢગલા ,કચરાના ઢગલા અને રસ્તા માં મોટા ખાડા લોકો માટે મુશ્કેલ બન્યા છે ચોમાસામાં રસ્તામાં પાણી ભરાઈ જાય છે થૂંકના સાંધા કરી રસ્તા રિપેર તો કરે છે પણ વરસાદ આવે એટલે કૌભાંડ ની ગંધ આવી જાય છે
અગાઉ વોર્ડ નં-1ના સ્થાનિકોએ પણ વિરોધ કર્યો હતો
થોડા દિવસ પહેલા રાજકોટમાં વોર્ડ નંબર 1ના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને હોબાળો કર્યો હતો. પાયાની સુવિધાના અભાવે લોકોએ 'મતદાન નહીં કરીએ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વોર્ડ નંબર 1ના શાસ્ત્રીનગર વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહેવાસી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે 15 વર્ષથી આ વિસ્તારમાં ભાજપનું શાસન છે. એક જ ઉમેદવાર ત્રણ ટર્મથી જીતે છે છતાં ખખડધજ રસ્તા, ઊભરાતી ગટર અને ગંદા પાણી રોડ પર આવવા જેવી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છીએ. જ્યારે અન્ય સ્થાનિક નવીનભાઈ જોશીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતના સૂત્ર વચ્ચે પણ કચરાના ઢગલા, સફાઈકર્મચારીઓ નિયમિત ડોકાતા પણ નથી. ખાસ કરીને રસ્તાઓ પર ઢોરનો અડિંગો અકસ્માત સર્જે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.