રાજકોટના સમાચાર:અંબિકા ટાઉનશીપ નજીક મનપાની ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા આખલો ખાબક્યો, RMC ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આખલાને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. - Divya Bhaskar
આખલાને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.

રાજકોટની અંબિકા ટાઉનશીપ નજીક મનપાની ગટરનું ઢાંકણું ખુલ્લુ રહી જતા તેમાં એક આખલો ખાબક્યો હતો. ઘટનાની જાણ થતા જ રાજકોટ મનપાની ટીમ દોડી આવી હતી. ટીમે આખલાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આખલો ગટરમાંથી બહાર આવી રહ્યો નહોતો. જોકે મહા મહેનતે અંતે આખલાને બહાર કાઢવામાં મનપાની ટીમને સફળતા મળી હતી.

રાજકોટના આટલા વિસ્તારો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સુરક્ષાને ધ્યાને લઈ શહેરમાં ડ્રોન ઉડાવવા બાબતે પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ, સ્પેશિયલ બ્યૂરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના વિવિધ ડેપો-કચેરીઓ, એરપોર્ટ, ભારત પેટ્રોલિયમના વિવિધ ડેપો, સેન્ટ્રલ જેલ, 66 કે.વી. ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન, મેઈન રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ બસ સ્ટેશન, આજી ડેમ પાસે દૂરદર્શનના ટ્રાન્સમીટર્સ, ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન-આકાશવાણી, પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસ-સ્થાન, જિલ્લા કોર્ટ, પોલીસ કમિશનર ઓફિસ, એસ.પી. ઓફિસ, કલેક્ટર ઓફિસ, બી.એસ.એન.એલ. ટેલિફોન એક્સચેન્જ, અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાડી શકાશે નહીં.

જાહેરનામું 30-04-2023 સુધી અમલી રહેશે
આ ઉપરાંત પંડિત દિનદયાલ સિવિલ હોસ્પિટલ, આજીડેમ, ન્યારી ડેમ-1, જી.એસ.સી.એસ.સી ફૂડ ગોડાઉન, એફ.સી.આઈ. ગોડાઉન ઘંટેશ્વર, એસ.આર.પી. ગ્રૂપ-13-ઘંટેશ્વર, ગોપાલ ડેરી-દૂધસાગર રોડ, રેસકોર્સ ગાર્ડન, આજી રિવરફ્રન્ટ બ્રિજ-રેલવે સ્ટેશન પાસે, માઇક્રોવેવ ટાવર, રેલવે કંટ્રોલ ઓફિસ, પાણીનો ટાંકો રેલવે સ્ટેશન, લોકો શેડ રેલવે સ્ટેશન, રેલવેના વિવિધ વિભાગ સહિતની જગ્યાઓ પર રિમોટથી સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન, એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર કે પેરાગ્લાઈડર, માઇક્રોલાઇટ એરક્રાફ્ટનો પરવાનગી વિના ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામું 30-04-2023 સુધી અમલી રહેશે.

જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદાકીય પગલા લેવાશે
ઉપરોક્ત સ્થળો સિવાયની જગ્યામાં ડ્રોન ઉડાડવા માટે ડ્રોન ચલાવનારા સંચાલક કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય, તેઓએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડલ, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે અને તેનો ઉપયોગ કરતાં પહેલાં જે વિસ્તારમાં ઉપયોગ કરવાનું છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા-ઈન્ચાર્જની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. સુરક્ષા એજન્સીઓના રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટને આ આદેશોમાં મુક્તિ આપવામાં આવે છે. આ આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

હોળી-ધૂળેટીને લઇ અધિક કલેક્ટરનું જાહેરનામું
હોળીના તહેવારમાં શહેરના મુખ્ય ચોકમાં હોલિકા દહન કરવામાં આવે છે. જ્યારે ધૂળેટીના તહેવારની શહેરના વિવિધ વિસ્તારોમાં રંગોથી રમી લોકો ઉજવણી કરતા હોય છે. આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સ્ત્રીઓ ઉપર રંગ ઉડાડવા, છેડતી કરવી, રસ્તા ઉપર આડસ મૂકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવવા કે તેમના પર રંગો ફેંકવા જેવા બનાવો બનતા હોય છે. આ બનાવોથી જાહેર સુલેહ શાંતિ જોખમાતી હોય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઠક્કરે 7થી 9 માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં કોઈ પણ શખસો જાહેર રસ્તાઓ પર કોરા રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમિકલયુક્ત રંગો અને તૈલી પદાર્થો રાહદારીઓ, વાહનચાલકો ઉપર કે વાહનો ઉપર પણ ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે
આ ઉપરાંત આ માટેના સાધનો લઈ જાહેર રસ્તા ઉપર દોડવા, પોતાના હાથમાં રાખી કોઈને કે પોતાને ઈજા કે હાનિ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા તેમજ અન્ય કોમની લાગણી દુભાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તેવા કોઈ પણ પ્રકારનું વર્તન કરવા પર મનાઈ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

ઓખા અને સાબરમતી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-સાબરમતી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો અને ઓખા-ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નં 09453 સાબરમતી-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 06.03.2023 અને 08.03.2023ના રોજ સાબરમતી (જેલ બાજુ)થી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.25 કલાકે ઓખા પહોંચશે.

ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં લાગશે વધારાના કોચ
વળતી દિશામાં ટ્રેન નંબર 09454 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી 07.03.2023 અને 09.03.2023ના રોજ 23:45 કલાકે ઉપડી સાબરમતી બીજા દિવસે 08:35 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 09453 અને 09454 માટેનું બુકિંગ 5 માર્ચ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ સાથે જ ટ્રેન નંબર 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં ભાવનગરથી 05.03.2023થી 08.03.2023 સુધી અને ઓખાથી 05.03.2023થી 09.03.2023 સુધી બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

બજરંગ પાર્કમાં ડિમોલિશનની કામગીરી કરાઇ
આજે પૂર્વ ઝોનમાં વોર્ડ નં. 4માં 18 મીટર ટી.પી. રોડ પર બજરંગ પાર્કમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ટી.પી. સ્કીમ નં. 15 (ડ્રાફ્ટ) રાજ્ય સરકાર દ્વારા 9 સપ્ટેમ્બર 2004થી મંજુર કરવામાં આવ્યો છે. આથી ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટની કલમ 48 (ક) હેઠળ 24 જાન્યુઆરી 2023થી નોટિસ આપવામાં આવી હતી. પરંતુ લોકોએ બાંધકામ દૂર ન કરતાં ફરી 9 ફેબ્રુઆરી 2023થી સ્મૃતિપત્ર પાઠવવામાં આવ્યો હતો, તેમ છતાં બાંધકામ દૂર ન કરતાં આજે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદે થયેલા બાંધકામ તોડી પડાયા.
ગેરકાયદે થયેલા બાંધકામ તોડી પડાયા.

15 રહેણાંક મકાન અને કમ્પાઉન્ડ વોલ તોડી પડાઇ
વોર્ડ નં. 4માં આવેલા રાજલક્ષ્મી ફાટક પાસે બજરંગ પાર્કમાં ગેરકાયદેસર ખડકેલા 15 રહેણાંક મકાન અને 1 કમ્પાઉન્ડ વોલ તોડી પાડી 3461 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખાનો તમામ સ્ટાફ, રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.

આજે વેરા વસુલાત શાખાએ 16 મિલકત સીલ કરી
આજે વેરા-વસુલાત શાખા દ્વારા 16 મિલકતને સીલ કરવામાં આવી હતી. તેમજ 2 નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. આ ઉરાંત 48 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 57.52 લાખની રિકવરી કરવામાં આવી હતી. આજ દિન સુધીની કુલ આવક 273.40 કરોડ થઈ છે.

મોકડ્રીલમાં લોકોને ફાયર સેફ્ટીની સાધનોની તાલીમ અપાઇ.
મોકડ્રીલમાં લોકોને ફાયર સેફ્ટીની સાધનોની તાલીમ અપાઇ.

ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઇ
શહેરના મોરબી રોડ પર પ્રવસ્થી હાઇટ્સમાં ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઇ હતી. રાજકોટ બિલ્ડિંગના અંદાજે 40થી 50 જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા. આ મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર ડી. ડી. ચાંચીયા, ફાયરમેન વિપુલ સોલંકી, જગદીશ વડેખણીયા ડ્રાઇવર એમ ટી સોંદરવા તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવ્યું હતું.

ગોંડલ રોડ ચોકડી ઓવરબ્રિજનું કાલે CMનાં હસ્તે લોકાર્પણ
રાજકોટનાં ગોંડલ રોડ ચોકડી ઉપર સતત ટ્રાફિકજામ રહેતો હોવાનાં કારણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગોંડલથી રાજકોટ તરફ આવતો એક તરફનો ઓવરબ્રિજ બની ગયો હોય જેથી તેને આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાક સમયથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે અને રાહત પણ થશે. જ્યારે અમદાવાદ તરફથી ગોંડલ તરફ જતા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ ગયા બાદ ગોંડલ રોડ પરની ટ્રાફિક સમસ્યા ભુતકાળ બની જશે.

ગોંડલ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા રહેતી હતી
રાજકોટથી ગોંડલ, શાપર-વેરાવળ, જુનાગઢ, વિરપુર, કેશોદ, સોમનાથ, વેરાવળ, પોરબંદર તરફ નાના-મોટા વાહનો ખૂબ જ જાય છે. જેનાં કારણે ગોંડલ રોડ ચોકડી ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી. જેમાં કેટલીક વખત તો વાહનચાલકોને એક એક કલાક સુધી ફસાય ગયા હોવાનાં પણ બનાવો બન્યા હતા. આ ગોંડલ રોડ પરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ રોડ ચોકડીએ અમદાવાદથી ગોંડલ તરફ જતો અને ગોંડલથી રાજકોટ તરફ આવવા માટે ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોન મેળો તથા હોટલ રીજન્સી લગુન ખાતે યોજાનાર મુખ્યમંત્રીનાં કાર્યક્રમને અનુલક્ષીને આજે રાજકોટ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર જે.એસ. ખાચર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, સંદીપ વર્મા, વિવેક ટાંક, મામલતદાર જાનકી પટેલ, આઇ.જી. ઝાલા અને વિવિધ વિભાગોનાં અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

એસટી બસમાં ફેબ્રુઆરી મહિનામાં 25 મુસાફરો ટિકિટ વગર ઝડપાયા
રાજકોટ એસ.ટી. વિભાગની લાઈન ચેકિંગ ટીમોએ ગત ફેબ્રુઆરી માસ દરમિયાન 2040 બસો ચેક કરી હતી અને આ ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ નહીં દેનારા ચાર કંડક્ટરને ગેરરીતિ બદલ ઝડપી લેવાયા હતા. જ્યારે આ ચેકિંગ દરમિયાન જુદા જુદા રૂટોની બસોમાં મફતમાં મુસાફરી કરતા 25 જેટલા મુસાફરો પણ ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી માસમાં પણ લાઈન ચેકિંગ ટીમોએ કટકી કરતા બે મુસાફરોને ઝડપી લીધા હતા અને 21 જેટલા મુસાફરોને ટિકિટ વગર ઝડપી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...