સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં કાયમી અધ્યાપકોની 52 જગ્યા માટે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવામાં આવનાર છે ત્યારે આ કાયમી જગ્યા માટે વર્ષ 2019માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને હાલ તે જાહેરાત દરમિયાન જેટલી અરજીઓ આવી હતી તેના આધારે જ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
કેટલાક અધ્યાપકોએ એવી માગણી કરી છે કે 2019માં ભરતીની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધ્યાપકો ક્વોલિફાય થયા હોય, રિસર્ચ પેપર પ્રસિદ્ધ થયા હોય તેના પોઈન્ટ ઈન્ટરવ્યૂમાં ઉમેરવા જોઈએ. જેની સામે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરિશ ભીમાણીએ જણાવ્યું હતું કે જે-તે સમયે જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી તેની છેલ્લી તારીખ સુધીમાં જે ઉમેદવારની જે લાયકાત હશે તે જ માન્ય ગણવામાં આવશે. વર્તમાન લાયકાતને ધ્યાનમાં નહીં લેવાતા પ્રોફેસરોમાં કચવાટ ફેલાયો છે.
યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં ટીચિંગની કાયમી અને કરાર આધારિત તેમજ નોન ટીચિંગની કાયમી જગ્યાઓ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે 2019માં પ્રોફેસરની કાયમી જગ્યા માટે અરજી કરનાર કેટલાક અધ્યાપકો એવા છે જેમણે અત્યાર સુધીમાં નેટ-સ્લેટ પાસ કરી છે, અનુભવ મેળવ્યો છે. જાહેરાત બહાર પડ્યાના અત્યાર સુધીમાં જે અધ્યાપકે જે લાયકાત મેળવી છે કે અનુભવ મેળવ્યા છે તેના પોઈન્ટ પણ ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાં ઉમેરવા જોઈએ તેવી માગણી થઇ રહી છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર રજૂઆત થઇ નથી.
આ મુદ્દે કુલપતિએ કહ્યું હતું કે, સરકારી નિયમ પ્રમાણે આવું થઇ શકે નહીં. 2019માં જ્યારે જાહેરાત બહાર પડી અને તેની જે છેલ્લી તારીખ હતી તે તારીખ સુધીની ઉમેદવારોની લાયકાત માન્ય ગણાશે. આ ઉપરાંત ભરતી જાહેરાતને બે કે તેથી વધુ વર્ષ થયા હોય તો નવેસરથી જાહેરાત બહાર પાડીને ભરતી પ્રક્રિયા કરવાનો પણ કોઈ નિયમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.