તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્કનું માસ પ્રોડક્શન:ભારતનું પ્રથમ '7 લેયર માસ્ક'નું પ્રોડક્શન યુનિટ રાજકોટમાં કાર્યરત, દૈનિક 3500 માસ્ક તૈયાર થાય છે

રાજકોટ2 મહિનો પહેલા
  • 30થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે
  • અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડનમાં પણ માસ્કની ડિમાન્ડ

એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની મેટોડા GIDCમાં લાડેક્સ અપિરિયલ નામે ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા.જેમણે ભારતનું પ્રથમ '7 લેયર માસ્ક'નું પ્રોડક્શન યુનિટ રાજકોટમાં શરુ કર્યું છે. તેમના યુનિટમાં દૈનિક 3500 માસ્ક બનાવવામાં આવે છે. તેમના આ યુનિક માસ્કની ડિમાન્ડ ગુજરાત અને ભારત સહિત સાત સમુન્દર પાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડનમાં પણ થઈ રહી છે.

જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું
જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું

કલેકટરે ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી
આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી મુજબ ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા. આ સમય દરમ્યાન રાજકોટના કલેકટર રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી. ભાવેશભાઈએ પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ. બજારમાં તે સમયે N-95 માસ્કની માંગ હતી પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે. આથી નક્કી કર્યું કે સૌને પરવડે તેવા ભાવે ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવું.

ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા
ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા

‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો પ્રારંભ
બજારમાં મળતા N-95 માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે ભાવેશભાઈ અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી. જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં બે જ કંપની બનાવે છે, તેમાંથી જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. ઉપરાંત ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી ‘પાઇટેક્સ’ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો પ્રારંભ કરાયો. કંપની પાસે અત્યાધુનિક ઓટોમેટેડ કટિંગ મશીન સહીત 55 જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ હતાં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ મટીરીયલ્સ માટે વધુ મૂડીની જરૂર હોઈ તેઓને લોન લેવાની ફરજ પડી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રૂ. 60 લાખ રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ હેઠળ રૂ.10 લાખ 54 હજાર કેપિટલ સબસીડી તેમજ રૂ.5 લાખ 23 હજાર ઇન્ટરેસ્ટ સબીસીડી લોન પેટે આપવામાં આવ્યા હતા.

ટીમના હેડ રસીલાબેન સેલરીયા
ટીમના હેડ રસીલાબેન સેલરીયા

માસ્કથી મહિલાઓને રોજગારી
આ કંપનીમાં બહેનોને ટ્રેનિંગ આપવાનું અને માસ્ક ક્વોલિટી ચેક કરવાનું કામ કરતા ટીમના હેડ રસીલાબેન સેલરીયા જણાવે છે કે, સિલાઈ કામમાં ચોકસાઈ અને ખંતથી મહિલાઓની હથરોટી હોઇ ભાવેશભાઈએ આ કામ માટે પણ મહિલા કારીગર પર ભાર મૂકી ફેકટરીમાં કામ કરતી અને અન્ય મળી 30 જેટલી મહિલાઓની ટીમ બનાવી દરેક ને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યું. માસ્કની પ્રોસેસમાં મટીરીયલનું લેયિંગ, ડ્રોઈંગ, કટિંગ, સિલાઈ, બોર્ડર અલગ મટીરીયલ્સમાંથી બનાવવી, તેમાં ઈઅર રબર લગાડવા, લોગો ચોટાડવા, માસ્ક ટેસ્ટિંગ અને પેકીંગ સહિતની કામગીરી આ મહિલા દ્વારા કરવામાં આવે છે. આ અંગે ભાવેશભાઈએ જણાવ્યું હતું કે,કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક બનાવતી મહિલાઓને પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહીત ગાઇડલાઇન્સનું પાલન કરવું અનિવાર્ય છે. નવી મહિલા કર્મચારીઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે.મહિલાઓ મૉટે ભાગે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને આ કામથી મળતી આવકમાં રોજી રોટી સહીત પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યાનું જણાવે છે.

55 જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ
55 જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ

અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડીમાન્ડ
ટૂંકા ગાળામાં ISO સ્ટાન્ડર્ડ સાથે માસ્કની ચોક્કસ ગુણવત્તા જાળવી રાખતા પાઇટેક્સ માસ્કની ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ડિમાન્ડ ઉભી થઈ. હાલ દૈનિક 3500 જેટલા માસ્કનું ઉત્પાદન હાલ કંપની દ્વારા કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં સાત સમન્દર પાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડીમાન્ડ થાય છે. જાણીતી કંપનીઓ દ્વારા તેમના લોગો સાથેના માસ્કની મોટા પાયે ડિમાન્ડને કંપની દ્વારા વિશેષ ધ્યાન આપી તેઓની માંગ મુજબના માસ્ક પુરા પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...