વીડિયો વાઇરલ:રાજકોટની ખાનગી સ્કૂલમાં માસ્ક પહેર્યા વગર શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યા, શિક્ષકની ભૂલ હોવાનું સંચાલકે સ્વીકાર્યું, સંક્રમણ ફેલાઇ તો જવાબદારી કોની?

રાજકોટએક મહિનો પહેલા
મોદી સ્કૂલમાં ચાલુ ક્લાસમાં શિક્ષકે માસ્ક પહેરવાની તસ્દી લીધી નહીં.
  • શહેરની ખાનગી સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થતા DEOએ ચેકિંગ માટે 6 ટીમો બનાવી
  • સ્કૂલમાં શિક્ષકની ભૂલ સામે કોઈ કાર્યવાહી શા માટે નહીં? તેવો સવાલ પણ ઉઠ્યો

રાજકોટ શહેરની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગૃત થયા છે અને સ્કૂલોમાં ચેકિંગ માટે ટીમો બનાવી છે. પરંતુ બીજી બાજુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા શિક્ષક ખુદ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક પહેરેલું ન હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે શું ચેકિંગના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે તે પણ સવાલ આ વાઇરલ વીડિયો પરથી લોકોમાં ઉઠ્યો છે. જોકે આ અંગે સ્કૂલ સંચાલકે પણ ભૂલ સ્વીકારી કહ્યું હતું કે શિક્ષકની ભૂલ છે.

વીડિયો ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલનો હોવાનું સામે આવ્યું
આ વીડિયો ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ક્લાસરૂમમાં અભ્યાસ ચાલી રહ્યો છે એ દરમિયાન અભ્યાસ કરાવતા વર્ગખંડમાં શિક્ષક માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પણ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની ગાઇડલાઇનમાં માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરંતુ આ નિયમોનું પાલન કરવામાં ન આવતા હોવાનું વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

DEOએ 6 ટીમો બનાવી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ માટે મોકલી.
DEOએ 6 ટીમો બનાવી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ માટે મોકલી.

થોડા દિવસ પહેલાનો જૂનો વીડિયો છેઃ સ્કૂલ સંચાલક
આ અંગે મોદી સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે, આ વીડિયો હાલનો નથી. થોડા દિવસ પહેલાનો જૂનો વીડિયો છે. ઇકોનોમિક્સ વિષયના શિક્ષક વર્ગખંડમાં હાજર છે અને તેમની પણ ભૂલ છે. હાલના સમયમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. તમામ કોવિડ ગાઇડલાઇનનું પાલન હાલમાં કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે શરૂઆતથી જ સ્કૂલમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું ફરજીયાત છે તો સ્કૂલમાં શિક્ષકની ભૂલ સામે કોઈ કાર્યવાહી શા માટે નહીં?

DEOએ 6 ટીમો બનાવી અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું
રાજકોટની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થતા શનિવારે કલેક્ટર તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગમાં સબ સલામતના દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ સલામતના દૃશ્યો માત્ર ચેકિંગ દરમિયાન જ રાખવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂત.
રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂત.

શિક્ષણ વિભાગ યોગ્ય ચેકિંગ કરતું નથી: NSUI
રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, તેમના દ્વારા બે દિવસ પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે સ્કૂલ-કોલેજોમાં કોવિડ ગાઈડલાઇનનું પાલન થતું નથી. NSUIએ આક્ષેપ કર્યો હતો કે, શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું નથી. માટે આજે બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં સંભવિત ત્રીજી લહેર આવે તો એપી સેન્ટર શૈક્ષણિક સંસ્થા બને તો નવાઈ નહીં. માટે શિક્ષણ વિભાગ યોગ્ય રીતે ચેકિંગ કરી જવાબદાર સામે કડક પગલાં લે તે ખૂબ જ જરૂરી છે.

શિક્ષણ વિભાગના ચેકિંગમાં પણ શિક્ષિકાએ માસ્ક ચહેરા પર પહેરવાનું ટાળ્યું.
શિક્ષણ વિભાગના ચેકિંગમાં પણ શિક્ષિકાએ માસ્ક ચહેરા પર પહેરવાનું ટાળ્યું.

ચેકિંગમાં પણ છિંડાના દૃશ્યો જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે રાજકોટના પાટીદાર ચોક ખાતે આવેલ વિદ્યાનિકેતન સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વિદ્યાનિકેતન સ્કૂલમાં સબ સલામતનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ ચેકિંગના દૃશ્યોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે ચેકિંગ ટીમ સાથે રહેલા સ્કૂલના શિક્ષિકા ખુદ માસ્ક પહેર્યા વગર બેઠા હોવાનું જોવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...