આપાત્તકાલ માટે વ્યવસ્થા:દિવાળીના પર્વમાં ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ સિવિલમાં સ્ટાફની સંખ્યા વધારાઈ, સ્કિન વિભાગ સ્ટેન્ડ ટુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 108 સેવાની 40 એમ્બ્યુલન્સ 24 કલાક તૈનાત, ફાયરબ્રિગેડે પાંચ સ્થળે ચોકી ઊભી કરી, સિવિલમાં ખાસ પરિપત્ર
  • સિવિલમાં તમામ વડાઓને સ્ટાફ હાજર રાખવા અને જરૂર પડ્યે તાત્કાલિક હાજર થવા આદેશ, સ્કિન વિભાગ પર સૌથી વધુ એલર્ટ

દિવાળીના તહેવારને લઈને આખા શહેરમાં માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરી રહ્યા છે અને ધનતેરસથી જ ફટાકડા ફોડવાના શરૂ થઈ ગયા છે. દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ હશે પણ હોસ્પિટલ, ફાયર શાખા, પોલીસ એવા વિભાગો છે જ્યાં દિવાળીમાં તહેવાર પર રજા નહિ પણ વધુ સાવધ રહેવાનો સમય હોય છે અને પહેલા કરતા પણ વધુ સ્ટાફ તૈનાત કરવો પડે છે. દિવાળીમાં કોર્પોરેટ હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલમાં મોટાભાગે રજા હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધે છે. આ માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે.

સિવિલ હોસ્પિટલની તૈયારી વિશે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે એક ખાસ પરિપત્ર તૈયાર કરાયો છે અને તમામ વિભાગના વડા અને આરએમઓને મોકલી દેવાયો છે. જેમા સ્પષ્ટ સૂચના છે કે દિવાળીને લઈને સ્ટેન્ડ ટુ રહેવાની તૈયારી રાખવાની છે. સ્ટાફ કોણ હાજર રહેશે તેની યાદી તેમજ સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. દવાઓનો જથ્થો તૈયાર રાખવા કહેવાયું છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેથી તે વિભાગ એલર્ટ છે.

ઈમર્જન્સી વિભાગમાં આ માટે વધારાની તૈયારીઓ કરી લેવાઈ છે. આગ લાગવાની ઘટનાઓને લઈને ફાયરશાખાએ પોતાના 7 ફાયર સ્ટેશન ઉપરાંત વધુ 5 જગ્યાએ ફાયર ચોકી ઊભી કરી છે જ્યાં ફાયર ફાઈટર તૈનાત રહીને કોઇપણ જગ્યાએ પહોંચવા સક્ષમ હશે. આ ચોકીઓમાં પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. મેડિકલ ઈમર્જન્સી માટે 108 સેવાની તમામ 40 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ કરાઈ છે જે શહેર તેમજ જિલ્લા બધે જ ગણતરીની મિનિટોમાં પહોંચે તે માટે અલગ અલગ લોકેશન પર રખાઈ છે.

પોલીસ સતત નવા વર્ષ સુધી રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરશે અને કોઇ જાહેર સ્થળે ફટાકડા ફોડવામાં આવતા હોય અથવા તો કોઇને જોખમી હોય તેવી જગ્યાએ ફટાકડા ફોડાતા હોય તે તમામ જગ્યાએ પહોંચી કાયદેસરની કાર્યવાહી કરશે આ માટે પેટ્રોલિંગ વાહનો સ્ટેન્ડ ટુ કરાયા છે.

108માં સામાન્ય કરતા 27 ટકા વધુ ફોન આવે તેવી શક્યતા
108 સેવાના રાજકોટ જિલ્લા કો-ઓર્ડિનેટર વિરલ ભટ્ટ જણાવે છે કે, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાઇરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોય છે. છેલ્લા પાંચ વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી 108ની સર્વિસની જરૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ તૈયાર કરાઈ છે. ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેસ સામાન્ય દિવસના 20થી 22 હોય છે જે દિવાળી દરમિયાન બમણા એટલે કે 45થી 55 થઈ જાય છે.

સામાન્ય દિવસો કરતા કેસ વધવાનું કારણ જણાવ્યું છે કે, લોકો રજાના દિવસોમાં બહાર હરવા ફરવા જતા હોવાથી અકસ્માત તેમજ ખોરાકના કારણે પણ રોગો વધવાની સંભાવના વધે છે તેથી સામાન્ય દિવસો કરતા 27 ટકા વધુ કેસ આવે તેવી શક્યતા છે.

જેને લઈને રાજકોટ શહેરની 17 મળીને જિલ્લામાં 40 જેટલી 108 વાન 24 કલાક માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પાંચમ સુધી તમામ સ્ટાફ રજા વગર ફરજ પર હાજર રહેવા કહેવાયું છે. રોડ અકસ્માત, હૃદય રોગ, તાવ ,પ્રસૂતા મહિલાઓને ઈમર્જન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર સ્થળ પર મળી રહે તે માટે ઓક્સિજન, દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખ્યો છે.

ફાયર NOC માટે 319 અરજી આવી જેમાંથી 307 મંજૂર
ફટાકડા વેચવા માટે મનપાની ફાયર શાખામાં મંડપ, સમિયાણા, સ્ટૉલ કે દુકાનમાં ફટાકડા વેચાણ અર્થે ફાયર એનઓસી મેળવવા 319 અરજી આવી હતી. જે તમામમાં ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ કરી 307 અરજદારોને ટેમ્પરરી ફાયર એન.ઓ.સી. અપાઈ છે.

મંજૂરી સિવાયના સ્થળોએ ફટાકડા વેચવા અંગે ચેકિંગ કરાતા સદર બજાર મેઇન રોડ પર કરાંચી હેર આર્ટ નામની દુકાન જે કરાંચી સિઝન સ્ટોર તરીકે ઓળખાય છે તેમની પાસે નિયમોનુસાર જે તે વિભાગની મંજૂરી કે એન.ઓ.સી. મેળવેલી ન હોવાનું જણાતા તંત્રએ આ દુકાન બંધ કરાવી હતી.

ફાયરબ્રિગેડ માટે હેલ્પલાઈન

  • 0281-2227222
  • 0281- 2250103/4/5/6/7/8/9
અન્ય સમાચારો પણ છે...