રાજકોટના રાજવી પરિવારનો વિવાદ:મિલકતો વેચાતી રોકવા રાજકુમારી અંબાલિકાદેવીએ સ્ટે માગ્યો, 26 ઓગસ્ટે વધુ સુનાવણી થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના રાજવી માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટના રાજવી માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલિકાદેવીની ફાઈલ તસવીર.

રાજકોટના રાજવી પરિવારની મિલકતને લઈ ભાઈ અને બહેન વચ્ચે ચાલતી તકરારમાં રાજકુમારી અંબાલિકા દેવીએ રાજવી માંધાતાસિંહને વધુ એક કાનૂની પડકાર આપ્યો છે. રાજકુમારીએ ભાઈને રાજવી પરિવારની મિલકતો વેચતા રોકવા રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ ધા નાખી સ્ટે માગ્યો છે. આ અંગે વધુ સુનાવણી 26 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાથ ધરાશે.

દાવા પ્રમાણે તકરારના અંત પહેલા એક મિલકત વેચી
આ તકરારની વિગત મુજબ રાજવી પરિવારની મિલકતના વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે. રાજકુમારી અંબાલિકાદેવી કે જેઓ સ્વ.મનોહરસિંહજી જાડેજાના દીકરી છે. તેમણે મિલકતમાં પાંચમો ભાગ માગ્યો છે. તેમણે રાજકોટના પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં રાજવી પરિવારની વારસાઇ મિલકતોના વેચાણ અંગે કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો છે. આ દાવો તેમણે તેમના ભાઈ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા સહિતના વિરૂદ્ધમાં કર્યો છે. દાવામાં જણાવાયા મુજબ મિલકત તકરારનો અંત થયો નથી તે પૂર્વે જ એક મિલકત વેચી પણ નાખવામાં આવી છે.

પિતા મનોહરસિંહજીના દેહાંત બાદ વિલ હાથમાં આવ્યું હતું
આથી બહેને કેસના નિકાલ સુધી સ્ટે આપવા દાદ માગી છે. લગ્ન બાદ ઝાંસી ખાતે રહેતા અંબાલિકા દેવી પુષ્પેન્દ્રસિંહે કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત પ્રાંત અધિકારી (સિટી-2)ના હુકમ સામે માંધાતાસિંહે કલેક્ટર સમક્ષ અપીલ કરી છે. જ્યારે અંબાલિકાદેવીએ સિટી સર્વે કચેરીના હુકમ સામે અપીલ કરી છે અને કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે. ત્યારે રાજવી પરિવારની મિલકત અંગે વિવિધ સ્તરે કેસો ચાલી રહ્યા છે. રાજવી મનોહરસિંહજીના દેહાંત બાદ તેમનું 6/7/2013નું વિલ સામે આવ્યું હતું. જોકે આ વિલ બંધનકર્તા ન હોવાનું અને માંધાતાસિંહની તરફેણવાળુ તા.6/6/2019નું રિલીઝ ડીડ રદ બાતલ ઠરાવવાનું ડીક્લેરેશન કરી આપવા અંગેનો દાવો ચાલી રહ્યો છે.​​​​​

​પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો
આ મિલકત વેચાણ કરતી રોકવા સ્ટે આપવા અરજી કરાઈ છે. ગઈકાલે અંબાલિકાદેવી તરફે રોકાયેલા રાજકોટના એડવોકેટ કેતન સિંઘવાએ દલીલો રજૂ કરી હતી. જેમાં મુખ્ય દલીલો મુજબ આઝાદી પહેલાના રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજી એટલે કે માંધાતાસિંહ અને અંબાલિકાદેવીના દાદાને તેમના પિતા સર લાખાજીરાજ પાસેથી મળેલી મિલકતો રાજવી પરિવારની ખાનગી મિલકત હતી, સ્વતંત્ર મિલકત નહોતી. 1949માં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને 26માં સુધારા 28/12/1971તી રજવાડાઓને મળતી સવલતો રદ થઈ, 9/11/1973ના રોજ પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો.

સુનાવણીમાં માંધાતાસિંહ પોતાનો જવાબ રજૂ કરી શકે છે
જેથી તેમના કહેવાતા વિલની રૂએ મનોહરસિંહજીના દાવાવાળી મિલકતના તે સ્વતંત્ર માલિક નથી બનતા. કેમ કે, પ્રદ્યુમનસિંહજીને પણ મિલકતો તેમના પિતા એટલે કે સર લાખાજીરાજ પાસેથી મળી હતી. વધુમાં કરાયેલી દલીલ મુજબ વડીલોપાર્જીત મિલકતો પૈકી એક મિલકત વેચાઈ ગઈ છે કે પછી વેચવાની તજવીજ ચાલુ છે. જો સ્ટે નહીં મળે તો ભાઈ માંધાતાસિંહજી પોતાના કબ્જાની કરોડોની મિલકત વેચી દેશે તેમ બહેન અંબાલિકાદેવીને ડર છે. આથી આ મનાઈ હુકમ માગવામાં આવ્યો છે. કોર્ટે દલીલો-રજૂઆતો સાંભળી હવે માંધાતાસિંહને જવાબ રજૂ કરવા 26 ઓગસ્ટની મુદત પડી છે. ત્યારે આવતી તારીખે માંધાતાસિંહ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...