ભાસ્કર એક્સપોઝ:સરકારી જમીન પર દબાણ; વહીવટી તંત્રની નીતિ જ ખોરી, કાર્યવાહી ન થઈ, દબાણ વધ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ચ મહિનામાં ખરાબામાં દબાણની શરૂઆત - Divya Bhaskar
માર્ચ મહિનામાં ખરાબામાં દબાણની શરૂઆત
  • રૈયા સરવે નં.318ના પ્લોટ નં.65-2ની 19821 વાર જમીન પર ભૂમાફિયાના કબજાનો દિવ્ય ભાસ્કરે અઢી મહિના પૂર્વે પર્દાફાશ કર્યો’તો, ગુનો નોંધવાની માત્ર વાતો જ થઈ
  • દેવા ભરવાડ સહિત પાંચ શખ્સનો જમીન પર કબજો, મનફાવે તે રકમે પ્લોટ પાડીને વેચાણ કરે છે

રાજકોટ શહેરમાં ભૂમાફિયાઓને કાબૂમાં રાખવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી વધી છે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકારી જમીન પર જ દબાણ કરીને તે પ્લોટ બારોબાર વેચવાના કૌભાંડ બેફામ રીતે ચાલી રહ્યા છે. કલેક્ટર તંત્ર પોતાની જ માલિકીના પ્લોટની રખેવાળી કરી શકતી નથી એટલું જ નહીં ‘દિવ્ય ભાસ્કરે’ અઢી મહિના પૂર્વે સ્ટિંગ ઓપરેશન કરી સરકારી જમીનના બારોબાર થતાં વેચાણનો પર્દાફાશ કર્યાબાદ પણ તંત્રએ આંખે પાટા બાંધી લીધા હોય તેમ કોઇ કાર્યવાહી નહીં કરતાં સરકારી જમીન પર દબાણ વધ્યું છે.

પોલીસ ફરિયાદ ન થતાં વધુ દબાણ થયું
પોલીસ ફરિયાદ ન થતાં વધુ દબાણ થયું

સમંગ્ર ઘટનાનો પર્દાફાશ ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ બિલ્ડર બનીને કર્યો હતો
રૈયા રોડ પર આલાપ નજીક અમૃતાપાર્કની બાજુમાં આવેલા રૈયા સરવે નં. 318ના પ્લોટ નં.65-2ની 19821 વાર જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવી 25 ઓરડી, મકાનો અને ઝૂંપડાં બનાવી દીધા હતા, દેવા ભરવાડ નામનો શખ્સ આ સરકારી જમીનને બારોબાર વેચતો હોવાની માહિતી મળતાં ગત તા.16 માર્ચના ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ બિલ્ડર બનીને પહોંચી હતી અને દેવાના કૌટુંબિક ભત્રીજા અર્જુન ભરવાડને મળી પ્લોટ ખરીદીની વાત કરી હતી, અર્જુન ભરવાડે રૂ.2.80 લાખમાં 125 વારનો પ્લોટ આપવાનો સોદો કર્યો હતો અને અર્જુનને તૈ પૈકી સૂથી પેટે કેટલીક રકમ પણ ‘ભાસ્કર’ની ટીમે ચૂકવી હતી. અર્જુને એવો પણ દાવો કર્યો હતો કે તેના કાકા દેવા ભરવાડ સહિત પાંચ શખ્સ આ જમીનનો વહીવટ કરે છે.

કાર્યવાહીની જાહેરાત બાદ પરીણામ શુન્ય!
સમગ્ર ઘટનાનો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એજ દિવસે જાહેરાત કરી હતી કે, સરકારી જમીન પર કબજો જમાવનાર અને તે પ્લોટ વેચનાર પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરાત કર્યા બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુ ભૂલી ગયા હતા પરંતુ ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ ભૂલી નહોતી અને મંગળવારે ફરીથી એ જગ્યાએ પહોંચતા આઘાતજનક દૃશ્યો જોવા મળ્યા હતા, અઢી મહિના પૂર્વે જેટલું દબાણ હતું તેના કરતા વધુ દબાણ થઇ ગયું હતું, એટલું જ નહીં નવા મકાનો બની રહ્યા હતા, કેટલાક બાંધકામની આંટ બની ગઇ હતી તો આ પ્લોટમાં ઇંટ, રેતીના ઢગલા પણ નવા બાંધકામ માટે ખડકી દેવાયા હતા.

લેન્ડ ગ્રેબિંગની સૂચના છતા કોઈ કાર્યવાહી નહી!
રાજકોટમાં ભૂમાફિયાઓ નાગરિકોની જમીન-મકાન પર કબજો જમાવી કાયદો હાથમાં લે છે એ વાત જગજાહેર છે પરંતુ સરકારી જમીન પર કબજો જમાવી દેવામાં આવે અને તેનું જાહેરમાં વેચાણ કરવામાં આવે, કલેક્ટર કાર્યવાહીનો આદેશ કરે છતાં જવાબદાર તંત્ર કોઇ કાર્યવાહી કરે નહીં ત્યારે કલેક્ટરનો પણ તેના સ્ટાફ પર કાબૂ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે જવાબદાર અધિકારી ભૂમાફિયા સાથે સંડોવાયેલા છે કે કેમ તેવા પણ સવાલો ઉઠ્યા હતા.

પોલીસ ફરિયાદ ન થતાં વધુ દબાણ થયું
સરકારી જમીનમાં દબાણ હોવાનો દિવ્ય ભાસ્કરે ગત માર્ચ મહિનામાં પર્દાફાશ કર્યો ત્યારે તંત્રે આકરા પગલાં લેવાની જાહેરાત કરી હતી. ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી ન થતાં ભૂમાફિયાઓએ વધુ જમીન પર દબાણ કરી લીધું.

લેન્ડ ગ્રેબિંગનો આદેશ આપેલો જ છે, તાત્કાલિક કાર્યવાહી કરાશે: કલેક્ટર
આ ઘટનામાં જે તે સમયે જ લેન્ડ ગ્રેબિંગમાં સુઓમોટો કરવા આદેશ કર્યો હતો, તેની કાર્યવાહી ક્યાં પહોંચી તે માહિતી મેળવીશ, હાલ તે સ્થળે દબાણ ઘટવાને બદલે જો વધ્યા હોય તો તે ગંભીર કહેવાય, હવે તાત્કાલિક ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી કરાશે. - અરૂણ મહેશ બાબુ, કલેક્ટર

નોટિસ અપાઇ ગઇ છે, દબાણ વધે તો સ્થિતિ કથળી કહેવાય: પ્રાંત અધિકારી
દબાણની ફરિયાદ આવતા જ પશ્ચિમ મામલતદારને સ્થળ તપાસ અને રોજકામનો આદેશ આપવામાં આવ્યો હતો, જે દબાણકર્તા છે તે તમામને નોટિસ અપાઇ ગઇ છે પરંતુ લેન્ડ ગ્રેબિંગની દરખાસ્ત હજુ મારા સુધી આવી નથી, જો દબાણ વધ્યું હોય તો તે કથળેલી સ્થિતિ થાય, બુધવાર બપોર પછી પગલાં લેવાશે. - કેસર ચૌધરી, પ્રાંત અધિકારી, શહેર-1

અન્ય સમાચારો પણ છે...