રાજકોટની મૂક-બધિર પરિણીતાએ સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાઓ સામે માર મારી દહેજની માગણી તેમજ છૂટાછેડા આપી દેવાનું દબાણ કરી માનસિક, શારીરિક ત્રાસ આપ્યાની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી રોડ બાયપાસ પાસે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી મૂક-બધિર પરિણીતા અંકિતાબેને સુરતના વરાછામાં રહેતા પતિ જયદીપ, સસરા મુકેશભાઇ ગોહેલ અને સાસુ શીતલબેન સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2017માં જયદીપ સાથે થયા છે.
લગ્નના પાંચ દિવસ પછી જ પતિ, સાસુ-સસરાએ સામાન્ય બાબતોએ ઝઘડો કરી ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પોતે મૂક-બધિર હોવાને કારણે સાસુને ગમતું ન હતું. જેથી તેઓ પતિને દહેજ માગવા ચડામણી કરતા હતા. જેને કારણે પતિ પોતાને પિયરથી દહેજ લઇ આવવા દબાણ કરી માર મારતા હતા. જ્યારે સાસુ-સસરા દહેજ મુદ્દે મેણાં મારતા હતા. દાંપત્ય જીવન ન તૂટે તે માટે અવારનવાર દહેજ સહિતના મુદ્દે સાસરિયાઓનો ચાર વર્ષ સુધી ત્રાસ સહન કર્યો હતો.
ચાર વર્ષ ત્રાસ સહન કરતા સાસુ-સસરાની ચડામણીથી પતિ જયદીપ છૂટાછેડા આપવા દબાણ કરતા હતા. અંતે પતિ તેમજ સાસુ-સસરાનો અનહદ ત્રાસ થતા પોતે રાજકોટ પિયર આવી ગઇ હતી. સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં કંઇ નહિ થતા અંતે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.