તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Press Conference On Rajkot Fire Case: Complaint Lodged Against 5 Doctors, Interrogation Continues, Fire Breaks Out In 30 Seconds

રાજકોટ અગ્નિકાંડ મામલો:ગોકુલના ડૉ. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડૉ. તેજસ કરમટાની અટકાયત; હળવી કલમ લગાવાઈ

રાજકોટ8 મહિનો પહેલા
અટકાયત કરેલા ડોક્ટરોની તસવીર - Divya Bhaskar
અટકાયત કરેલા ડોક્ટરોની તસવીર
  • બે દર્દીનાં જૂની ગોકુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં
  • 5 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી
  • આ કાંડમાં કોની શું ભૂમિકા હતી એની તપાસ બાદ વધુ ધરપકડની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ગુરુવારે મધરાતે લાગેલી આગમાં પાંચ દર્દીનાં મોત નીપજ્યાં હતાં, સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલી આ ઘટનામાં ગંભીર લાપરવાહી દાખવનારા ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબ સામે પોલીસે ગુનો નોંધી તેમની પૂછપરછ શરૂ કરી હતી. એમાંથી 3ની અટકાયત કરવામાં આવી છે.

ત્રણ દર્દી આઇસીયુમાં ભડથું થયા હતા
SITની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે વોર્ડમાં લાગેલી આગમાં ત્રણ દર્દી બળીને ભડથું થયા હતા, જ્યારે અન્ય બે દર્દીને સારવાર માટે જૂની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ દરમિયાન તેમનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત ઇમર્જન્સી સિસ્ટમમાં પણ ખામી હતી.

પોલીસે ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધ્યો
શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં ગુરુવારે રાત્રે લાગેલી આગમાં આઇસીયુમાં દાખલ સાત પૈકીના પાંચ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. આ મામલે રાજ્ય સરકારે ખાસ તપાસ સમિતિની નિમણૂક કરી હતી તેમજ હાઇકોર્ટના પૂર્વ જજને પણ તપાસ સોંપી હતી. રાજકોટ પોલીસ કમિશનરે ‘સીટ’ની રચના કરી હતી. બે દિવસની તપાસ બાદ રવિવારે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂષણે ફરિયાદી બની ગોકુલ લાઇફ કેર પ્રા.લિ.ના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતીવરસ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે આઇપીસી 304-અ તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.

10 લોકોની લાપરવાહી સામે આવી
સીટના અધ્યક્ષ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘટના બાદ આગ કેવી રીતે લાગી અને ઘટનામાં કોની બેદરકારી હતી એ મુદ્દે તપાસ કેન્દ્રિત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલના સંચાલક તબીબોએ હોસ્પિટલ અને આઇસીયુમાં ઇમર્જન્સી એક્ઝિટ યોગ્ય રીતે રાખ્યું નહોતું, વેન્ટિલેશનનો અભાવ હતો, નિયમ મુજબ દરવાજા નહોતા, સ્ટાફને ફાયર એક્સટિંગ્યુઝરનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી નહીં હોવા સહિત 10 લાપરવાહી દાખવી હોવાનું બહાર આવતાં જવાબદાર પાંચેય ડોક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય ડોક્ટરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

કોનો શું રોલ હતો એ તપાસ્યા બાદ આજે ધરપકડ કરવામાં આવશે
ગોકુલ લાઇફ કેરના સંચાલકોએ શિવાનંદ મિશનની માલિકીના બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કરી હતી, હોસ્પિટલના સંચાલનની તમામ જવાબદારી ગોકુલ અને ઉદયના સંચાલકોની હતી, સંચાલન સાથે શિવાનંદ મિશનને કંઇ લાગતુંવળગતું નહોતું તેવો કરાર થયો હતો, હાલમાં ગોકુલ લાઇફ કેરના હોદ્દેદારો પાંચેય ડોક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, બેદરકારીને કારણે આગની ઘટના બની તેમાં કોની શું ભૂમિકા હતી એ ચકાસવામાં આવી રહી છે, રોલ નક્કી થયા બાદ સોમવારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

ધારા 304(અ), 114 હેઠળ 2 વર્ષની સજાની જોગવાઈ
કોઈનું મૃત્યુ નીપજશે તેવું જાણવા છતાં બેદરકારીભર્યું કૃત્ય કરે અને એને કારણે કોઇનું મૃત્યુ નીપજે ત્યારે આવી વ્યક્તિઓ સામે આઇપીસી 304 (અ)ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે. જો તે વ્યક્તિ સામે આરોપ સાબિત થાય તો વધુમાં વધુ બે વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા સજા અને દંડ બંનેની જોગવાઇ છે. જ્યારે આઇપીસી 114ની વ્યાખ્યામાં ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરક (જેની સામે આરોપ કર્યો હોય તે)ની હાજરી હોય તો એ પણ કૃત્યમાં સામેલ છે અથવા ગુનો કર્યો છે તેવું ગણી શકાય તેમ એડવોકેટ તુષાર ગોકાણીએ જણાવ્યું છે. ઉપરોકત કલમ હેઠળ નોંધાતા ગુનો જામીનલાયક છે.

ભાસ્કરે ઉઠાવેલા 10 સવાલ મુજબ ગુનો નોંધાયો
દિવ્ય ભાસ્કરે શનિવારના અંકમાં હોસ્પિટલનો એક્સ-રે ગ્રાફિક્સથી બતાવી ક્યા,કેવી રીતે અને કંઇ બેદરકારી દાખવવામાં આવી હતી એ 10 મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. રવિવારે માલવિયાનગર પોલીસે પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ સામે ગંભીર બેદરકારી અને એકબીજાને મદદગારી કરવા અંગેનો ગુનો દાખલ કર્યો છે તેમાં ભાસ્કરે ઉઠાવેલા તમામ 10 મુદ્દાને આવરી લઇને ગુનો નોંધ્યો છે.

વેન્ટિલેશન ન હોવાથી 1નું મોત થયું હતું
ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનામાં પાંચ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. પાંચેય મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં એક દર્દીનું ગૂંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળ આઇસીયુમાં એક્સપર્ટને સાથે રાખીને તપાસ કરી ત્યારે આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો થયાનું બહાર આવ્યું હતું.

મેડિકલ સ્ટાફને ફાયર સિસ્ટમનો ઉપયોગ આવડતો નહોતો
આ મામલે પ્રેસ-કોન્ફરન્સમાં રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ICU વોર્ડનું ઈમર્જન્સી એક્ઝિટ બંધ હાલતમાં તેમજ એના દરવાજા પાસે મશીનરીનો અવરોધ ઊભો કરેલો હતો. ICU વોર્ડમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો થયો હતો. સેનિટાઈઝર જેવા જ્વલનશીલ પદાર્થ વધુ માત્રામાં હતા. ઈમર્જન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ દરવાજો ન હતો, ફક્ત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાંની જ વ્યવસ્થા હતી. કોઈપણ જાતના ફાયર સાઇનબોર્ડ કે અન્ય રિફલેક્ટર દ્વારા ઇમર્જન્સી સાઈન બોર્ડ દર્શાવ્યું નહોતું. ICUના મુખ્ય દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઈંચ જેટલી જ હતી. ફરજ પરના મેડિકલ સ્ટાફને સહિત પેરામેડિકલ સ્ટાફને ફાયર સ્ટિકનો ઉપયોગ કરતા આવડતું નહોતું, જેથી તાલીમના અભાવે ફાયરનો ઉપયોગ કરી શકાયો નહોતો. એનબીસી અને એના ABHની ગાઈડલાઇન્સનું પાલન થયું ન હોવા જેવી ગંભીર બેદરકારી હતી. આ ઉપરાંત ડીસીપીએ જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હોસ્પિટલમાં 57 બેડ હતાં, જ્યારે આવવા-જવા માટે માત્ર એક નાનો દરવાજો જ હતો. હોસ્પિટલે પહેલો, બીજો અને ત્રીજો માળ ભાડેથી લીધો હતો.

હોસ્પિટલે પોલીસને આગ મામલે જાણ નહોતી કરી
આ ઉપરાંત SITની તપાસમાં ખુલાસો થયો હતો કે, રાતે 12.22એ આગ લાગી હતી. જેની હોસ્પિટલે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી અને 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. આ મામલે હોસ્પિટલે માત્ર ફાયરબ્રિગેડને જ જાણ કરી હતી. પોલીસ વિભાગને જાણ કરી નહોતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને રેસ્ક્યૂની કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવી નહોતી. હોસ્પિટલમાં ઓટોમેટિક સ્પ્રિન્કલ સિસ્ટમ પણ નહોતી. જેને કારણે 3 દર્દીઓના વોર્ડમાં જ મોત નીપજ્યા હતા.

હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશેઃ એ.કે. રાકેશ
એ.કે. રાકેશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલનો ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ આવશે. અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે જેના રિપોર્ટ પરથી આગળ કાર્યવાહી થશે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધૂમાડો વધુ હતો. આથી મુશ્કેલી વધી છે. કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી છે. ઓક્સિજન હોવાથી નાનો સ્પાર્ક પણ મોટી દુર્ઘટના કરી શકે છે. કોવિડ હોસ્પિટલની સુવિધાને લઈને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારવી તે અંગે નિર્ણય લેવાશે. ઓક્સિજનનું વધુ પ્રમાણ હોય ત્યાં નાનો સ્પાર્ક થાય તો પણ ત્યાં ફાયરમાં પરિવર્તન થઈ શકે છે. આના માટે કાળજી ચોક્કસથી લેવી પડે અને કાળજી લેવામાં આવે છે. ક્યાં ભૂલ થઈ છે અને કેવી રીતે થઈ છે તે તપાસ બાદ જ જાણવા મળશે. ધૂમાડાના કારણે ગૂંગળામણથી પાંચ દર્દીના મોત થયા હોય તેવું બની શકે. બધા રિપોર્ટ આવતા બેથી ત્રણ દિવસ માં આવવાની શક્યતા છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યાં.પીએમ રૂમથી દર્દીનાં સગાંઓને એક પછી એક ડેડબોડી સોંપવામાં આવી હતી. આ સમયે પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. આગની આ ઘટનાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે. રસિકલાલ અગ્રાવતની ફાઈલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. મૃતકોનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ સાંજ સુધીમાં થશે. મૃતકોની ફાઈલ બળીને ખાખ થઈ ગઈ છે. ફાઈલ બળીને ખાખ થઈ જતાં મૃતક રસિકલાલના પરિવારજનોનો સંપર્ક થતો નથી.

અન્ય સમાચારો પણ છે...