રાજકોટ જિલ્લાના અંદાજે 597 ગામડાંની વિકાસ કામગીરીનું એપિસેન્ટર ગણાતા રાજકોટ જિલ્લા પંચાયતમાં સોમવારે યોજાયેલી સંકલન બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખની ગેરહાજરી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર ત્રણ સમિતિના ચેરમેનની હાજરી હતી. જિલ્લાના વિકાસકાર્ય માટે આયોજન ખૂબ જ મહત્ત્વનું પાસું ગણાય, ત્યારે સંકલનની બેઠકમાં જ મોટી સંખ્યામાં એક સાથે પદાધિકારીઓની ગેરહાજરીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતમાં સંકલન વધારવા સાપ્તાહિક બેઠકનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે સવારે સંકલન બેઠકના સમયે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને સિંચાઇ સમિતિના એમ ત્રણ ચેરમેન જ હાજર રહ્યા હતા. કારોબારી સમિતિની ચેમ્બરમાં જ ડે.ડીડીઓને બોલાવી બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ભાગ લેનાર સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં પ્રમુખ કે ઉપપ્રમુખની હાજરી ન હતી.
આમ તો સંકલનની બેઠકમાં તમામ સમિતિના ચેરમેન અને સભ્યોએ હાજરી આપવી જરૂરી હોય છે, જેથી જિલ્લાના ગામડાંઓના વિકાસકાર્યો અંગે ચર્ચા-વિચારણા, કોઇ કામગીરી અટકી ગઇ હોય તેવા કિસ્સામાં યોગ્ય નિર્ણયો સહિતના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને અસરકારક કામગીરી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, સિંચાઇ વિભાગમાં 85 ટકા સ્ટાફની અછત છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ - મોન્સૂન કામગીરી ખોરવાઇ રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ગઇ બેઠકમાં મહિલા સભ્યોના પતિદેવો બેસી જતા પ્રમુખે તેને ઊભા કરવાની ફરજ પડી હતી. સામાન્ય દિવસોમાં કેટલીક સમિતિઓ બાદ કરતા મોટાભાગની સમિતિઓની ચેમ્બર્સ ખાલીખમ જોવા મળતી હોય છે, તેવી ફરિયાદો પણ ઉઠવા પામી રહી છે.
રાજકોટ જિલ્લામાં અંતરિયાળ રસ્તાનું રૂ.18.40 કરોડના ખર્ચે લોકાર્પણ કરાયું
ગ્રામ સડક યોજના હેઠળ રૂ.18.40 કરોડના ખર્ચે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.1.78 કરોડના ખર્ચે માલિયાસણ, ધમલપર, પીપળિયા રોડ તેમજ પીપળિયા-ખીજડિયા- જેપર રૂપાવટીના રસ્તાઓનું તેમજ રૂ.16.62 કરોડના ખર્ચે લોમા કોટડીથી રામપરા (બેટી) હાઇવે ટુ એપ્રોચ રોડ તથા મેજર બ્રિજ તેમજ સ્ટેટ હાઇવેથી સાયપર એપ્રોચ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.