ભાજપની લકી બેઠક પર પાટીદાર પાવર!:સિદસર ઉમિયાધામના પ્રમુખે કહ્યું- ‘રાજકોટ પશ્ચિમ પર સવા લાખ પાટીદાર મતદાર, અમને ટિકિટ આપો’

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઈપણ ઉમેદવાર ઊભો રહે એટલે કેસરિયો લહેરાય એ નક્કી જ હોય છે. ત્યારે હવે પાટીદારો આ બેઠક પર ચૂંટણી લડવાની માગ કરી રહ્યા છે. જ્યાં સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે 'પશ્ચિમની બેઠક પર અમારા સવા લાખ મતદારો છે, અમને ટિકિટ આપો'

પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે
રાજકોટ પશ્ચિમની બેઠક પરથી નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ વડાપ્રધાન છે. આ સીટ પર સતત વજુભાઇ પાંચ વખતથી વધુ જીતતા આવ્યા છે, જેમાં વજુભાઇ 30 હજારથી વધુ લીડ નથી મેળવી શક્યા. 2014માં વિજયભાઇને 24 હજારની લીડ મળી હતી. ત્યારે ભાજપની લકી સીટ પર ટિકિટ મળેવવા અંગે જેરામ વાંસજાળિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ટિકિટની અમે માગણી કરી છે. આજદિન સુધી વિજયભાઈ લડતા હતા, અહીંથી નરેન્દ્રભાઈ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે પણ વિજયભાઈ લડવાના હોય તો અમને કોઈ વાંધો નથી, વિજયભાઈ ન લડવાના હોય તો અમારી માગણી છે કે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.'

અનામત આંદોલનને કારણે અમે ઘણા યુવાનોને ગુમાવ્યા છે: જેરામ વાંસજાળિયા.
અનામત આંદોલનને કારણે અમે ઘણા યુવાનોને ગુમાવ્યા છે: જેરામ વાંસજાળિયા.

પાટીદાર અનામત આંદોલનના કારણે આ અનામત મળી છે
આ ઉપરાંત તેમણે EWCના સુપ્રીમ કોર્ટનો ચુકાદાને બિરદાવ્યો હતો અને મીડિયાને જણાવ્યું હતું કે આર્થિક રીતે કોઈપણ સમાજના નબળા માણસો હોઈ, તેને અનામતનો લાભ મળશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામ સમાજે વધાવવો જોઈએ તેમજ અભિનંદન પણ પાઠવવા જોઈએ. અનામત નબળા માણસોને સક્ષમ બનાવવા માટે જ હોઈ છે. પાટીદાર અનામત આંદોલનને કારણે આ અનામત મળી છે. ઘણા લોકોએ આ અનામત માટે પોતાનાં બલિદાન પણ આપ્યા છે. અનામત આંદોલનના કારણે અમે ઘણા યુવાનોને ગુમાવ્યા છે. અનામત આંદોલનને કારણે પાટીદાર સમાજે રાજકીય નુકસાન પણ થયું છે. મારા સમાજનો અમે સર્વે કર્યો છે. ઝીરો રૂપિયા હોઈ તેવા 800 પરિવાર અમને મળ્યા છે. તે તમામ લોકોને ઉમિયા સિદસર ધામ દ્વારા અનાજ કરિયાણા સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવે છે તેમજ આર્થિક મદદ પણ કરવામાં આવે છે.

અગાઉ જેરામ પટેલે નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી
અગાઉ ગુજરાતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા બે પાટીદાર જેરામ પટેલ અને નરેશ પટેલે બંધબારણે બેઠક કરી હતી. તેમાં પણ પાટીદારોની ટિકિટની માગનો મુદ્દો મહત્ત્વનો રહ્યો હતો. આ બેઠકમાં મૌલેશ ઉકાણી અને જગદીશ કોટડિયા પણ હાજર રહ્યાં હતાં. બેઠક બાદ પાટીદાર સંસ્થાના આગેવાનોએ આ બેઠક સામાજિક સંગઠન અને મજબૂતી માટે જ હોવાનો રાગ આલાપ્યો હતો, પરંતુ વાસ્તવિક્તા તો ચૂંટણીને લઇને જ આ લેઉવા અને કડવા પાટીદાર આગેવાન વચ્ચે બેઠક થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

રાજકોટ પશ્ચિમ બેઠક પર 1985થી દબદબો
નોંધનીય છે કે રાજકોટ 69 વેસ્ટ સીટ પર 1985થી ભાજપનો દબદબો છે, જેમાં 2002માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય સફરની પહેલી ચૂંટણી લડ્યા હતા, જોકે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને બનાવતા આ સીટ ખાલી પડેલી જે જગ્યાએ યોજાયેલી 2014ની પેટાચૂંટણીમાં વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને 24978 મતની જંગી બહુમતીથી ચૂંટાયા હતા. આ સીટ વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે.

2007 અને 2012માં વજુભાઇને કેટલી લીડ મળી હતી
2007માં વજુભાઇ સામે કોંગ્રેસમાંથી કાશ્મીરાબેન નથવાણી ઊભાં હતાં. ત્યારે વજુભાઇને 9856 મતની લીડ મળી હતી. જ્યારે 2012માં વજુભાઇ વાળા સામે ફરી કોંગ્રેસમાંથી કાશ્મીરાબેન નથવાણી ઊભાં રહ્યાં હતાં, ત્યારે 14728 મતની લીડ મળી હતી. આમ, વજુભાઇને 30 હજાર કરતાં વધુ લીડ આ બેઠક પરથી મળી નથી, ત્યારે વિજય રૂપાણીએ રેકોર્ડબ્રેક લીડ મેળવી જીત હાંસલ કરી હતી.

ગત ચૂંટણીમાં ભાજપને થયું હતું મોટું નુકસાન
ગુજરાતમાં આ વખતે પણ ભાજપ પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે, કારણ કે ભાજપને એ વાતનો અંદાજો છે કે ગુજરાતમાં પાટીદાર સમાજની એકતા વધારે મજબૂત છે, આથી જો ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જો ફોકસ આપીશું તો ચૂંટણીમાં જીત મેળવવી વધારે સરળ થઇ જશે, કારણ કે આ વખતે ગુજરાતના ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ છે. ત્યારે ભાજપ કોઈ જ રિસ્ક લેવા માગતું ન હોય અને શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને મોટું નુકસાન ગયું હતું અને કેટલીક તો પરંપરાગત વર્ષોથી ભાજપના ગઢ સમાન બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી.

અગાઉ 50 ટિકિટની માગ કરી ચૂક્યા છે જેરામ પટેલ
અગાઉ સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ ધ્રોલમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાટીદાર સમાજને 50 ટિકિટ આપશે. લોકશાહીમાં બધાને માગવાનો અને કહેવાનો અધિકાર છે. પાટીદાર સમાજને ગયા ઈલેકશનમાં 50 સીટ ભાજપે આપી હતી. આ વખતે 50 સીટ આપશે તેવી અમને અપેક્ષા છે અને અમે માગણી કરીશું.

વજુભાઈ અને વિજયભાઈ બન્ને માટે આ બેઠક મહત્ત્વની સાબિત થઈ - ફાઈલ તસવીર.
વજુભાઈ અને વિજયભાઈ બન્ને માટે આ બેઠક મહત્ત્વની સાબિત થઈ - ફાઈલ તસવીર.

50 બેઠક પર પાટીદાર પાવર
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 22 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

અન્ય સમાચારો પણ છે...