તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ શિક્ષક:રાષ્ટ્રપતિએ કર્યું રાજકોટની વિનોબા ભાવે સ્કૂલના આચાર્ય વનિતા બહેનનું સન્માન, આપ્યો નેશનલ ટીચર્સ એવોર્ડ

રાજકોટ14 દિવસ પહેલા
નેશનલ ટીચર્સ એવોર્ડ સાથે વનિતાબહેન રાઠોડ

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષકદિન નિમિતે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું નેશનલ ટીચર્સ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 2 પૈકી એક રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ શાળાના આચાર્ય એવા વનિતાબહેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે અને તેમને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુઅલ જોડાઈ શિક્ષકોને શુભેચ્છા પાઠવી એવોર્ડ એનાયત કર્યા હતા.

આ સમયે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. D ગ્રેડ શાળાને A ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે થતા અથાગ પ્રયત્નો ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એવોર્ડ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

નેશનલ ટીચર્સ એવોર્ડમાં વર્ચ્યુઅલ જોડાયેલા રાષ્ટ્રપતિ અને વનિતાબહેન
નેશનલ ટીચર્સ એવોર્ડમાં વર્ચ્યુઅલ જોડાયેલા રાષ્ટ્રપતિ અને વનિતાબહેન

સ્કૂલને Dમાંથી A ગ્રેડ અપાવ્યો, આસપાસની બે ખાનગી સ્કૂલ બંધ થઈ
શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અવૉર્ડ એનાયત કરવામાં આવશે. જ્યારે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતાં શિક્ષણજગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડી ગ્રેડ શાળાને એ ગ્રેડ સુધી પહોંચાડી બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે થતા અથાક પ્રયત્નો ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અવૉર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, નવાઈની વાત તો એ છે કે આ શાળાની આસપાસના વિસ્તારમાં ચાલતી બે ખાનગી શાળાને તાળા લાગી ગયાં છે અને બાળકો સરકારી શાળામાં અભ્યાસ માટે આવી રહ્યાં છે.

વનિતાબહેનને મળેલું સન્માન પત્ર
વનિતાબહેનને મળેલું સન્માન પત્ર

ડોક્ટર બનવુ હતું પણ શિક્ષક બની ગયા
આચાર્યા વનિતાબેન રાઠોડનો જન્મ 10 ઓક્ટોબર 1979ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો અને તેમના પિતા બેંકમાં નોકરી કરતા હતા. ત્રણ ભાઈ-બહેનોમાં વનિતાબહેન ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. જોકે ધોરણ 10 પછી અમુક સંજોગોવશાત્ તેઓ ડોક્ટર બની શક્યાં નહીં.ધોરણ 10 પછી કોમર્સ તથા બાદમાં BBA, M.COM અને B.ED સુધી અભ્યાસ કર્યો હતો.

પોસ્ટ માસ્તર અને માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવી
વનિતાબહેને પોસ્ટ માસ્તર અને માર્કેટિંગ મેનેજરની જોબ ઠુકરાવી વર્ષ 2004માં વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી, જ્યાં પણ ખૂબ સંઘર્ષ કરી બાળકોને અભ્યાસ તરફ વાળવા ઉત્તમ પ્રયાસ કર્યા હતા. એ બાદ અલગ અલગ બદલીઓ થતાં વર્ષ 2015માં રાજકોટ નગર પ્રાથમિક સમિતિની શાળા નંબર 93 વિનોબા ભાવે સ્કૂલમાં આચાર્યા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

શાળામાં 10 બુક આપીને ઊજવાય છે જન્મ દિવસ
શાળા નંબર 93નાં આચાર્યા વનિતાબહેન રાઠોડના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં આવે છે તેમજ અહીં જન્મદિવસની ઉજવણી પણ ચોકલેટ વહેંચીને નહીં, પરંતુ 10-10 પુસ્તક ભેટ આપીને કરવામાં આવે છે. જે નિયમ વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે પણ બનાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરવા આવતાં બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન ન નહીં, તેની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવવું તેમજ ખાતર કેમ બનાવવું? વૃક્ષારોપણ કેમ કરવું એ સહિતની બાબતો પણ શીખવવામાં આવે છે. એને કારણે ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળા નંબર 93 તરફ વળી રહ્યા છે. ત્યારે અહીંના જ્ઞાન સાથે ગમ્મતના વાતાવરણથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુશખુશાલ છે.

અન્ય સમાચારો પણ છે...