MPની જાંબુવાની ધાડપાડુ ગેંગની નવી તરકીબ:લૂંટ, ચોરીનું નોતરું આપી ગેંગ તૈયાર કરે, બિલાડી આડે ઉતરવી શુકન મનાય, સફળતા પર ‘ચોર માતા’ના મંદિરે બલિ ચડાવે

રાજકોટ9 દિવસ પહેલા
મોટાભાગની ચડ્ડી-બનિયાનધારી ગેંગ જાંબુવા જિલ્લાની.

રાજકોટના અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં ગઇકાલે મોડી રાત્રિના ધાડપાડુ ગેંગ રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ચોરી કે લૂંટ કરવાના ઇરાદે ઘૂસી હતી. જોકે આ અંગે સચોટ બાતમી પોલીસને મળતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. લગભગ 22 મિનિટ સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરી ધાડપાડુ ગેંગના 4 શખસની ધરપકડ કરી હતી. આ ધાડપાડુ ગેંગ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જાંબુવામાં રહેતા લોકોની મૂળ MO જ લૂંટ, ચોરી અને ધાડની છે. જાંબુવા જિલ્લાના લોકો લૂંટ, ચોરીનું નોતરું આપી ગેંગ તૈયાર કરે છે. બાદમાં જો ઘટનાને અંજામ આપતા પહેલા બિલાડી આડે ઉતરે તો તેને શુકન માને છે.બાદમાં સફળતા મળે તો જાંબુવામાં આવેલા ચોર માતાના મંદિરે બલિ ચડાવે છે.

અલગ અલગ ઘરોના સભ્યોની ગેંગ બનાવે
મધ્યપ્રદેશના જાંબુવાની વાત કરવામાં આવે તો ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર જાંબુવા જિલ્લો આવેલો છે. ત્યાંના લોકોનું મુખ્ય કામ જ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોરી, લૂંટ અને ધાડ પાડવાનું છે. જે રીતે ગુજરાતમાં લગ્નપ્રસંગ પહેલા કંકોત્રી આપી આમંત્રણ આપવામાં આવે તે રીતે જાંબુવા ગેંગ ગામમાં નોતરું આપતા હોય છે. બાદમાં અલગ અલગ ઘરોમાંથી આવી ટોળકી બનાવી ચોરી, લૂંટ કે ધાડ માટે પ્લાન બનાવતા હોય છે. બાદમાં તેઓ નક્કી કર્યા સમયે જાંબુવાથી નીકળતા હોય છે.

ઘરોની રેકી કર્યા બાદ ધાડપાડુ ગેંગ રાત્રે ઘાતક હથિયારો સાથે ચોરી કે લૂંટ કરવા નીકળે છે.
ઘરોની રેકી કર્યા બાદ ધાડપાડુ ગેંગ રાત્રે ઘાતક હથિયારો સાથે ચોરી કે લૂંટ કરવા નીકળે છે.

ચોર માતાના મંદિરે પ્લાન ઘડવામાં આવે
લૂંટ, ચોરી કે ધાડ માટે નીકળતા સમયે રસ્તા પર બિલાડી, કાળી બિલાડી, કાળી ચકલી, ઘુવડ કે પછી ચામાચીડિયા જોવા મળે તો શુકન માને છે. પછી જ તેઓ લૂંટ, ધાડ કે ચોરી માટે આગળ વધતા હોય છે. આ સમયે તેઓ જાંબુવામાં આવેલા ચોર માતાના મંદિર ખાતે બલિ ચડાવવાનું નક્કી કરતા હોય છે. લૂંટ કરવા જતા સમયે આ ગેંગ પથ્થર, ડિસમીસ, છરી, દેશી બનાવટની બંદુક જેવા ધારદાર હથિયારો લઇ જતા હોય છે. લૂંટ કરી બાદ પરત વતન પહોંચતા સીધા જ ચોર માતા મંદિર પહોંચી નક્કી કર્યા મુજબ બલિ ચડાવી સીધુ કાચુ માંસ જમતા હોય છે.

જાંબુવા જિલ્લામાં લૂંટ અને ચોરી કરવા માટેની ગેંગ તૈયાર કરવામાં આવે છે.
જાંબુવા જિલ્લામાં લૂંટ અને ચોરી કરવા માટેની ગેંગ તૈયાર કરવામાં આવે છે.

દાહોદમાં જાંબુવાની અલગ અલગ ગેંગના 200 આરોપી જેલમાં
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટાભાગની લૂંટ અને ધાડમાં જાંબુવા ગેંગનો હાથ હોય છે અને એકમાત્ર દાહોદ જિલ્લામાં જ અંદાજિત 200 જેટલા જાંબુવા ગેંગના શખસો સજા કાપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પર ખાસ બંદોબસ્ત ગોઠવી આ ગેંગને પ્રવેશ કરતા રોકવી એ ગુજરાત પોલીસ માટે પડકારરૂપ જરૂર છે. જોકે રાજકોટ પોલીસે આજે બહાદુરીપૂર્વક હિંમત દાખવી આજે આ ગેંગના શખસોને પકડી પાડી મોટી લૂંટના બનાવને બનતા અટકાવ્યો છે અને પકડાયેલ શખસો સાથે અન્ય કોણ કોણ સામેલ હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.