• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Premature Delivery Of Pregnant Woman In Gondal, Baby Needs To Be Shifted To Rajkot In Need Of NICU, 108 With Incubator Became A Blessing

નવજાતને નવજીવન મળ્યું:ગોંડલમાં સગર્ભાની અધૂરા માસે ડિલિવરી, બાળકને NICUની જરૂર પડતા રાજકોટ ખસેડવું જરૂરી, ઇન્ક્યુબેટર સાથેની 108 આશીર્વાદરૂપ બની

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
108માં નવજાતને ખાસ સ્ટ્રેચરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે. - Divya Bhaskar
108માં નવજાતને ખાસ સ્ટ્રેચરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે.

બાળકના જન્મથી માતાની ખુશી બેવડાઈ જતી હોઈ છે, પરંતુ અહીં વાત છે ગોંડલમાં અધૂરા માસે જન્મેલ બાળકની. બાળકને ઓક્સિજનની તકલીફ પડતા તાત્કાલિક રાજકોટ મોટી હોસ્પિટલમાં સારવારની જરૂર જણાતા ટ્રાન્સફર કરવું પડે તેમ હતું. બાળક હોસ્પ્ટિલ ટ્રાન્સફર દરમિયાન સુખરૂપ પહોંચે તે જરૂરી હોઈ ન્યુબોર્ન ઇન્ટેન્સીવ કેર યુનિટ (NICU)ની સુવિધા સાથેની 108 મદદે આવી હતી અને નવજાત બાળકને રાજકોટ હોસ્પિટલ ખસેડી નવજીવન આપ્યું છે. આથી ઇન્ક્યુબેટર સાથેની 108 આશીર્વાદરૂપ બની રહી છે.

નવજાતને ખાસ સ્ટ્રેચરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો
108 દ્વારા હેન્ડલ કરાયેલા કેસની વિગત આપતા વિરલભાઈએ જણાવ્યું હતું કે, ગોંડલ ખાતે ઉર્વીકાબેન જયપાલભાઈ વાઘેલાને પ્રસુતિની પીડા ઉપાડતા અધૂરા માસે ડિલિવરી કરવામાં આવી હતી. બાળકની અધૂરા મહિને ડિલિવરી થતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ને ઓક્સિજન લેવલ જળવાતું નહોતું. આવા સમયે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા વીરપુરની 108ની સેવા લેવામાં આવી હતી. આ બાળકને ટ્રાન્સફર દરમિયાન ખાસ સ્ટ્રેચરમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો. 108ના EMT અરુણાબેન ચાવડા અને પાયલોટ પ્રકાશભાઈ ડાંગરની કુનેહથી બાળકને રાજકોટ હોસ્પિટલ સુધી સલામત પહોંચાડી નવજાતને નવજીવન મળતા બાળકના માતા-પિતાની ખુશીમાં અનેક ગણો વધારો જોવા મળ્યો હતો.

ન્યુ બોર્ન બેબી માટે ખાસ તૈયાર કરાયેલી સ્ટ્રેચર કે જે નિઓનેટલ તરીકે ઓળખાય છે.
ન્યુ બોર્ન બેબી માટે ખાસ તૈયાર કરાયેલી સ્ટ્રેચર કે જે નિઓનેટલ તરીકે ઓળખાય છે.

ન્યુ બોર્ન બેબી માટે આ 108 આશીર્વાદરૂપ
ન્યુ બોર્ન બેબી માટે ખાસ તૈયાર કરાયેલી સ્ટ્રેચર કે જે નિઓનેટલ તરીકે ઓળખાય છે, તે એક કાચની પેટી જેવી હોઈ છે. જેમાં ઓક્સિજન બ્લેન્ડર બ્રેકેટ સિસ્ટમ હોય છે. જેની મદદથી બાળકને ધીમા ફ્લો સાથે ઓક્સિજન આપવામાં આવે છે. બાળકને કોઈ પણ ઇન્જેક્ટેબલ આપવા સિરીંજ પંપ બ્રિકેટ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાઈ છે. જેની મદદથી બાળકને ધીમા ફ્લો સાથે ઇન્જેક્ટેબલ આપી શકાય છે. સાથે સાથે ઇન્ક્યુબેટરની અંદરનું તાપમાન પણ બાળકની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. જેનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું 108ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટ વિરલ ભટ્ટે જણાવી આ સ્ટ્રેચર અલાયદી હોવાનું જણાવ્યું હતું.