સીમંત પ્રસંગમાં મારામારી:પહેલું પગલું કોણ પડાવે એ રિવાજ મુદ્દે સગર્ભાને માતા-બહેને ઢીકાપાટા માર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મવડીમાં આવેલી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં વેવાઇવેલા બાખડ્યા
  • યુવતીની બહેન બનેવીએ હુમલો કર્યાની રાવ સાથે હોસ્પિટલના બિછાને પહોંચી

શહેરના મવડી વિસ્તારમાં આવેલી વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં મંગળવારે સીમંત પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે પહેલું પગલું કોણ પડાવે તે રિવાજના મુદ્દે માથાકૂટ થતાં સગર્ભાને તેની જ માતા અને બહેને ઢીકાપાટુનો માર મારતા દેકારો મચી ગયો હતો. સગર્ભાની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી, તો સામાપક્ષે તેની બહેન પણ બનેવીએ હુમલો કર્યાની રાવ સાથે હોસ્પિટલે પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર મવડી ચોકડી નજીક ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતી નિરલ રવિભાઇ સરવૈયા (ઉ.વ.24)નો મંગળવારે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં સીમંત પ્રસંગ હતો, સીમંત પ્રસંગમાં નિરલની બહેન ગાંધીગ્રામના અંજલિપાર્કમાં રહેતી કોમલ સુરેશભાઇ છાંયા અને માતા 40 ફૂટ રોડ પરના મારુતિનગરમાં રહેતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ટીંબડિયા સહિતના સભ્યો પણ હાજર હતા. ખોળો ભરવાની વિધિમાં રિવાજ મુજબ સગર્ભા નિરલને પગલાં ભરાવવાના હોય પહેલું પગલું કોણ ભરાવે તે બાબતે બોલાચાલી શરૂ થઇ હતી અને થોડીવારમાં માહોલ તંગ થઇ ગયો હતો.

સગર્ભા નિરલને તેની જ માતા અને બહેને ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, સામાપક્ષે નિરલની બહેન કોમલ છાંયા પણ હોસ્પિટલના બિછાને પહોંચી હતી અને તેણે તેના બનેવી રવિ સરવૈયાએ માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.

બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નિરલે ચાર વર્ષ પૂર્વે રવિ સરવૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેથી નિરલના પિયરિયાઓ આ લગ્નથી નારાજ હોય તેમણે નિરલ અને તેના સાસરિયાં સાથે કોઇ સંબંધ રાખ્યા નહોતા, પરંતુ થોડા સમય પૂર્વે જ સમાધાન થતાં એકબીજાના ઘરે આવવા જવા લાગ્યા હતા, નિરલનો સીમંત પ્રસંગ હોય માતા બહેન પહોંચ્યા હતા પરંતુ પગલાં ભરવાના રિવાજ મામલે તકરાર થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...