ગુજરાતમાં પ્રથમ:રાજકોટમાં નવતર પ્રયોગ, શિક્ષકોને કોરોના વોરિયર્સની ટ્રેનિંગને શિક્ષણમંત્રીના હસ્તે ખુલ્લી મુકાઇ, ડોક્ટરો અને મનોવિજ્ઞાન ભવન તાલીમ આપશે

રાજકોટએક વર્ષ પહેલા
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં વર્ચ્યુઅલ જોડાયા હતા.
  • રાજકોટમાં શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકે તાલીમ આપવા સંકટ નિવારક કાર્યક્રમ યોજાયો

શિક્ષક એ દરેક ઘરનો સ્તંભ છે. બાળકો વાલીઓનું નહીં પરંતુ શિક્ષકે કહેલી વાત ઝડપથી સ્વીકાર કરે છે. માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IMA સાથે રાખી શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકેની ટ્રેનિંગ આપવા માટે સંકટ નિવારક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શિક્ષકોને કોરોના વોરિયર્સ તરીકેની તાલીમ ડોક્ટરો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે.

30 જુલાઇથી 30 ઓગસ્ટ સુધી દર શુક્ર અને શનિવારે ટ્રેનિંગ અપાશે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામે કેટલીક અફવાઓ અને અંધશ્રદ્ધાના કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે. આવા સમયે શાળામાં બાળકોને તેમના વાલીઓએ વેક્સિન લીધી કે કેમ અથવા ન લીધી હોય તો શા માટે લેવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં આ સાથે ખાસ શિક્ષકોને કોરોના વોરિયર્સની ટ્રેનિંગ આપવા માટે પણ ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાને લગતા પ્રશ્નો અને અન્ય બાબતો અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે. જેની શરૂઆત આગામી 30 જુલાઇથી 30 ઓગસ્ટ સુધી દર શુક્ર અને શનિવારના રોજ કુલ 30 કલાક અલગ અલગ વિષય પર તાલીમ આપવામાં આવશે.

કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ હાજર રહ્યાં.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ હાજર રહ્યાં.

અમેરિકામાં લાઇફ કોચ તરીકે સેવા આપનાર પણ ટ્રેનિંગ આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશમાં કેટલાય દેશોમાં કોરોના વોરિયર્સના સર્ટિફાઇડ કોર્સ કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આરોગ્યને લગતા પ્રશ્નો હોય તો તેનો સામનો કેવી રીતે કરવો અને સમાજને તેમાંથી કેવી રીતે બચાવવો તે શીખવવામાં આવી રહ્યું છે. મૂળ રાજકોટના અને હાલ USAમાં રહેતા ડો. કમલ પરીખ કે જેઓ અમેરિકામાં લાઇફ કોચ તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને IMA સાથે મળી રાજકોટના શિક્ષકોને આ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે.

મનોવિજ્ઞાન ભવનના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા.
મનોવિજ્ઞાન ભવનના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા.

રાજકોટમાં સફળતા બાદ રાજ્યના અન્ય શહેરોમાં આ પ્રોજેક્ટ શરૂ કરાશે
સમાજમાં ઉદભવતા અલગ અલગ પ્રશ્નો થકી સમાજને કોઇ જુદી અસર ન થાય અને સમાજને બચાવી શકાય તે માટે ખાસ શિક્ષકોને ટ્રેનિંગ આપી આ વાત વિદ્યાર્થી સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સફળતા મળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેકટ અંતર્ગત કામ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ માટે મોટી સંખ્યામાં વધુને વધુ શિક્ષકો જોડાય અને સમાજને આગળ લાવવા તેમજ બચાવવા માટે મદદરૂપ બને તેવી અપીલ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...