રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:નામચીન બુકી સાજીદ જીંદાણીએ એસિડ પીધું, સારવારના ચાર દિવસ બાદ મોત, દેણું થઈ જતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બુકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. - Divya Bhaskar
બુકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો.

રાજકોટ શહેરના નામચીન બુકી સાજીદ જીંદાણીએ એસિડ પી આપઘાત કરી લેતા ચાર દિવસની સારવાર બાદ આજે ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. શહેરના સદર બજારમાં રહેતા સાજીદ ઉર્ફે સર્જુ જીંદાણીએ ચાર દિવસ પહેલા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારજનોએ જાણ થતાની સાથે જ તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજે સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે આર્થિક સંકડામણના કારણે દેણામાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. ત્યારે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

માતાના અવસાન પછી સાજીદ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો
ગત 3 સપ્ટેમ્બરના રોજ પોલીસે સાજીદભાઈનું નિવેદન લીધું ત્યારે તેમણે જણાવેલ કે, એક-દોઢ વર્ષ પહેલાં કોરોના મહામારી વખતે તેમના માતાનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવેલો, એટલે સાજીદભાઈએ તેમને સારવારમાં ખસેડ્યા હતા. તબીબોની સલાહ હતી કે, માતાનો જીવ બચાવવા ઓક્સિજનની ખાસ જરૂર પડશે. જો કે તે સમયે ઓક્સિજનની અછત હતી. આથી સાજીદભાઈ વ્યવસ્થા કરી શક્યા નહોતા. પોલીસને સાજીદભાઈએ હોસ્પિટલના બિછાનેથી અફસોસ જતાવતા કહ્યું હતું કે, ધન-દૌલત બધું હતું પણ હું મારી માનો જીવ ન બચાવી શક્યો એનો મને અફસોસ છે. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, માતાના અવસાન પછીથી સાજીદભાઈ એક-દોઢ વર્ષથી ડિપ્રેશનમાં હતા. અવારનવાર, વાત વાતમાં તેઓ માતાને ન બચાવી શક્યા તે અંગે અફસોસ વ્યક્ત કરતા હતા.

ગોંડલના મોટા દડવામાં અકસ્માતમાં પ્રૌઢનું મોત
ગોંડલના મોટા દડવા ગામે રહેતા ભીખુભાઈ ભનુભાઈ ચાવડા (ઉ.વ.43) ગઇકાલે બાઇક લઈ આટકોટ તરફ જતા હતા ત્યારે જંગવડ ગામ પાસે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતાં. જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે 108ને જાણ કરતાં ઈએમટીએ તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક ભીખુભાઈ હીરા ઘસવાનું કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આધારસ્તંભ છિનવાતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

શરીર સંબંધી ગુનાના આરોપીને અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો
રાજકોટ જિલ્લાના પડધરીના મોટા રાજૂતવાસમાં રહેતા અવધેષ શૈલેષ ઉર્ફે કાળુભાઇ દેસાણી (ઉ.વ.25)ને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો છે. અવારનવાર શરીર સંબંધી ગુના આચરતા શખસ સામે પાસા દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ પાસા દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જિલ્લા કલેકટરને મોકલી આપી હતી. કલેક્ટરે દરખાસ્તને મંજૂરી આપી હતી. જેથી આરોપી અવધેષને અમદાવાદ જેલમાં ધકેલવા તજવીજ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સામે લૂંટ, ચોરી અને દારૂના ગુના નોંધાઇ ચૂક્યા છે તેની સામે અગાઉ હદપારીનો આદેશ પણ થયેલો જેમાં હદપારી ભંગ કરતા પોલીસ હાથે પણ તે પકડાતા ગુનો નોંધાયેલો હતો.

અમદાવાદ જેલમાં પાસા હેઠળ ખસેડવામાં આવેલો આરોપી.
અમદાવાદ જેલમાં પાસા હેઠળ ખસેડવામાં આવેલો આરોપી.

પારડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી 24.48 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલી પારડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દારૂનો મોટો જથ્થો ઉતારી ત્રણ વાહનોમાં કટિંગ થતું હોવાની બાતમી મળતા રાજકોટ ગ્રામ્ય LCBના સ્ટાફે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દરોડો પાડી ત્રણ શખસને પકડી તેઓ પાસેથી રૂ.24.48 લાખની 8160 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. તેમજ કુલ રૂ.34.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ ત્રણેય આરોપી પ્રશાંત કિશોર પંડ્યા, મુકેશ વિઠ્ઠલ વડેરા અને એલમ નારણ વડેરાની પૂછપરછમાં ભાવનગરના બે શખસનું નામ ખુલતા તેઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વીજય વાયરની ચોરી કરનારા 5 શખસને ઝડપી પાડ્યા.
વીજય વાયરની ચોરી કરનારા 5 શખસને ઝડપી પાડ્યા.

કુવાડવા પોલીસે વીજ વાયરની ચોરી કરનાર 5 શખસની ધરપકડ કરી
રાજકોટના કુવાડવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં અલગ અલગ ત્રણ સ્‍થળેથી થયેલ લાખોની કિંમતના વીજ વાયરોની ચોરી મામલે પોલીસે રાજકોટ, ગોંડલ, ચોટીલા પંથકના પાંચ શખસને ઝડપી લઇ રૂ.10,44,667નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ પર કાગદડી નજીક ખોડિયાર આશ્રમ પાસેથી બોલેરો કારમાં વીજ વાયર સાથે રવિ નરસીભાઇ ગાંગડીયા, સુરેશ વિહાભાઇ સોમાણી, રઘુ સામતભાઇ દુધરેજીયા, સુરેશ ચનાભાઇ રાતડીયા અને વિજય વાલજીભાઇ દુધરેજીયાની પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ પાંચેય આરોપી એકબીજાને ઓળખતા હોય ટૂંકે રસ્‍તે પૈસા કમાવવા વીજતાર ચોરી ભંગારમાં વેંચવાનો પ્‍લાન ઘડી સુરેશ સોમાણીની બોલેરો લઇ ચોરી કરવા નીકળ્‍યા હતાં અને તાર ચોર્યા હતા. પરંતુ વેચવા જાય એ પહેલા પોલીસે દબોચી લેતા જેલના સળિયા ગણવાનો સમય આવ્યો છે.

પોલીસે વીજ વાયરનો જથ્થો કબ્જે કર્યો.
પોલીસે વીજ વાયરનો જથ્થો કબ્જે કર્યો.

રાજકોટ તાલુકા પોલીસે શિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપ્યા
રાજકોટ તાલુકા પોલીસે નામચીન શિકલીગર ગેંગના બે સાગરીતને ઝડપી પાડ્ય છે. જેમાં અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયા છે. પકડાયેલા બે આરોપીઓ પૈકી એક શખસ અગાઉ 14 ગુનામાં અને બીજો 3 ગુનામાં પોલીસ ચોપડે સંડોવાઇ ચૂક્‍યો છે. પોલીસ દ્વારા બન્ને પાસેથી રોકડ, બાઇક, બાઇકની ચાવીઓ, ડીસમીસ, વાંદરી પાનુ, ગિલ્લોલ, ગિલ્લોલમાંથી છોડવા માટેની 15 લખોટી, મરચાની ભૂકી, છરી, બેટરી સહિતની ચીજવસ્‍તુઓ કબ્‍જે કરવામાં આવી છે. આ નામચીન ગેંગની ચોરી કરવાના ખાસ નિયમો પાળે છે. ચોરી કરવા માટે દિવસે રેકી કરે છે, ચોરી કરવાની હોય તેના એક દિવસ પહેલા ફોન બંધ કરી દે છે અને ઘરે જ ફોન રાખી ચોરી કરવા જાય છે, બચાવ માટે સાથે મરચાની ભૂકી અને ગિલ્લોલ રાખે છે. તેમજ ટી શર્ટ ઉપર બીજા બે ત્રણ શર્ટ, ટી શર્ટ પહેરીને નીકળે છે. ચોરી કર્યા બાદ ભાગતી વખતે થોડે થોડે અંતરે ઉપરના ટી શર્ટ કાઢી નાખે છે અને એ રીતે સીસીટીવી કેમેરાથી તથા પોલીસથી બચવાનો પ્રયાસ કરે છે.

શીકલીગર ગેંગના પકડાયેલા બે સાગરીત.
શીકલીગર ગેંગના પકડાયેલા બે સાગરીત.

પોલીસે બન્નેને ફિલ્મી ઢબે પકડી લીધા
રાજકોટ તાલુકા પોલીસે હરવિંદરસિંગ દયાસિંગ દુદાણી (ઉ.વ.36) અને જસબીરસિંગ ધરમસિંગ દુદાણી (ઉ.વ.29)ને મવડી વિસ્તારમાં આવેલ પ્રિયદર્શની સોસાયટી-4માંથી પકડી લીધા છે. બે શખસ માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી કાળા બાઇક પર થેલા સાથે શંકાસ્‍પદ રીતે સત્‍યસાંઇ રોડ પર આંટા મારે છે તેવી બાતમી મળતાં ટીમ પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા બન્ને શખસ સત્‍યસાંઇ રોડ પરથી ભાગતાં ફિલ્‍મી ઢબે પીછો કરી પ્રિયદર્શીની સોસાયટીમાં ઘૂસી જતાં પોલીસની ટીમોએ સોસાયટીને કોર્ડન કરી લીધી હતી. લીસ પીછો કરતા હોવાનું માલુમ થતા બન્ને બાઇક પર ભાગવા જતાં સ્‍લીપ થઇ જતાં પડી ગયા હતાં અને પોલીસે દબોચી લીધા હતાં.

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પોલીસે રકમ પરત કરાવી
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ત્રણ અરજદારોને સાયબર ક્રઇમ પોલીસે રૂ. 96,763ની રકમ પરત કરાવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરી જેમા અરજદાર હેમતભાઇ મડોરાએ ફેસબુકમાં ઘરવખરીના સામાનની જાહેરાત જોઇ સંપર્ક સાધતા સામાવાળાએ આર્મીમેનની ખોટી ઓળખ આપી, વોટ્સએપ મારફતે QR Code મોકલી, સ્કેન કરાવી રૂ.66,000 ટ્રાન્સફર કરાવી લઇ ફ્રોડ કર્યો હતો. જે પૈકી રૂ.40,000 પરત અપાવેલ તથા બીજા બનાવમાં અરજઘર રોહિત ધીરજલાલ પરમારને PayTM Walletમાં KYC પેન્ડીંગ દેખાડતા હોય જેથી અરજદારે Google પર કસ્ટમર કેરના નંબર સર્ચ કરી, સંપર્ક કરતા સામાવાળાએ એપ ડાઉનલોડ કરાવડાવી ક્રેડીટકાર્ડનાં ફોટા મેળવી રૂ.54,131 ટ્રાન્સફર કરી લઇ ફોડ કરેલ જે પૈકી રૂ.49,132 પરત અપાવેલ હતા. ત્રીજા અરજદાર રૂચીના સોલંકીએ નોકરી માટેની જાહેરાત જોઇ સામાવાળાનો સંપર્ક કરતા સનરાઇઝ પ્રા.લી.ના કર્મચારીની ખોટી ઓળખ આપી અરજદારના આધારકાર્ડ/પાનકાર્ડ/રીફ્યુમ મેળવી તેનો દુરુપયોગ કરી ધની એપમાંથી રૂ.7,631 લોન મેળવી લઇ ફ્રોડ કર્યો હતો. આમ ત્રણેય અરજદારોની કુલ રૂ.96,763 જેટલી રકમ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવેલ છે.

ગણેશ વિસર્જનમાં બાઇક પર સ્ટંટ કરનાર બે ઝડપાયા
ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી વધુ લાઇક્સ તેમજ ફોલોઅર્સ વધારવા માટે યુવાનો પોતાની જિંદગી દાવ પર મૂકી જોખમી સ્ટંટ કરતા હોય છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગણેશ વિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાનો બાઇક પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડી રહ્યા હતા. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ આ યુવાનો સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. જેમાં આજ રોજ એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોમાં દેખાતા ભોલા સાટીયા અને સ્મિત જોગરાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 19 લાખની લૂંટ કરનાર ચાર ઝડપાયા
રાજકોટ શહેરના સોની બજાર ખત્રીવાડ ભીચરીનાકામાં 1 સપ્ટેમ્બરના રોજ સાંજે આઠેક વાગ્‍યા આસપાસ કેશવકુંજ એપાર્ટમેન્‍ટમાં રહેતાં પી.મગનલાલ આંગડિયા પેઢીના 30 વર્ષ જૂના કર્મચારી બ્રાહ્મણ વૃદ્ધ સોની બજાર બ્રાન્ચ ખાતેથી હિસાબની રકમ રૂ.19.56 લાખ થેલીમાં રાખી પોતાના ફ્લેટના પગથીયા ચડી રહ્યા હતા. ત્‍યારે છરી અને પિસ્‍તોલ બતાવી બે લૂંટારા આ રોકડ સાથેનો થેલો લૂંટી ભાગી ગયા હતાં. આ લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી જોરૂભા ઉર્ફે જોરસંગ જીવાજી દરબાર, જસપાલસિંહ કેસરસિંહ ઝાલા, પ્રતાપજી ઉર્ફે કિરણ પ્રહલાદજી ઠાકોર અને સંજયજી સોમાજી ઠાકોરને ઝડપી ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓએ સોની બજારની પેઢીથી બનાવ સ્‍થળ સુધી રેકી કરી હતી
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી પૈકી જોરૂભા ઉર્ફ જોરસંગ જીવાજી દરબારે સમગ્ર લૂંટનું કાવત્રુ ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. જે પોતે રાજકોટમાં ગોંડલ રોડ સમૃદ્ધી ભવનમાં એસ.આર. આંગડિયા પેઢીમાં જોરૂભા નોકરી કરતો હોવાથી તેણે પી.મગનલાલ આંગડિયા પેઢીના કર્મચારી રજનીકાંત ગોવિંદલાલ પંડ્યા (ઉં.વ.62)ને લૂંટી લેવા પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના કૌટુંબિક ભાણેજ જસપાલસિંહ અને તેના મિત્રો મનુજી, છત્રપાલ, પ્રતાપજી ઉર્ફ કિરણ ઠાકોરને જોડ્યા હતાં. કાવત્રુ ઘડ્યા બાદ આ આરોપીઓ રાજકોટ આવ્‍યા હતાં અને આંગડિયા પેઢીની સોની બજારની પેઢીથી બનાવ સ્‍થળ સુધી રેકી કરી હતી.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે આરોપી મનુ ઉર્ફે અજમલસિંહ ઠાકોર સામે અગાઉ હત્‍યાનો, છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી સામે અમદાવાદમાં ગેરકાયદે હથિયારનો અને સંજયજી સોમાજી ઠાકોર સામે મહેસાણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ફરાર આરોપી મનુજી અને છત્રપાલસિંહની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...