જૂના માર્કેટ યાર્ડ નજીક આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં રસ્તા પર પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ એક્ટિવા અને બાઇક અથડાતાં બાઇકચાલક મંછાનગરના પ્રૌઢનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર બેઠેલા બે મિત્રોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ શહેરના કાલાવડ રોડ મોટામવા નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વહેલી સવારે વાહન અકસ્માતમાં રાજકોટ એઇમ્સ હોસ્પિટલના HODને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં બે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આજે સતત બીજા દિવસે પણ અકસ્માત રોકાવાનું નામ લેતો નથી.
જૂના યાર્ડ પાસે બાઇક અને એક્ટિવા સામસામે અથડાયા
જૂના માર્કેટ યાર્ડ રોડ પર પેટ્રોલ પંપ નજીક સવારે બાઇક સાથે એક્ટિવા ધડાકાભેર અથડાતાં બાઇકચાલક આજીડેમ ચોકડી નજીક મંછાનગરમાં રહેતાં દલસુખભાઇ આંબાભાઇ ગોવાણી (ઉં.વ.57)નું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર બેઠેલા બે યુવાન ધવલ ભરતભાઇ સાકરીયા અને હર્ષ વિજયભાઇ નકુમને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
દલસુખભાઈને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર
બનાવની જાણ હોસ્પિટલ ચોકીએ આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દલસુખભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પોતે સેન્ટિંગ કામની મજૂરી કરતાં હતા. સવારે કામની સાઇટ પર જવા નીકળ્યા હતાં અને કાળ ભેટી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા બે મિત્રોમાં હર્ષ સવારે બહારથી સોરઠિયાવાડી પાસે આવ્યો હોય તેણે અહીં રહેતાં મિત્ર ધવલને ફોન કરી પોતાને ઘરે મૂકી જવા કહેતાં ધવલ એક્ટિવા પર મિત્ર હર્ષને મૂકવા જવા નીકળ્યો હતો. ત્યારે યાર્ડ પાસે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. હર્ષ અને ધવલ સારવાર હેઠળ છે.
વાહન અકસ્માતમાં એઇમ્સના HODને ગંભીર ઇજા
કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પેન્ટાગોન ટાવર્સમાં રહેતાં અને રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં HOD તરીકે ફરજ બજાવતાં ડો.વિવેક શિવદતભાઇ શર્માને સવારે સવા સાતેક વાગ્યે બાઇક અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેમને લોહીલૂહાણ હાલતમાં 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. અહીં ડો.વિવેક શર્માને ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરાયા હતાં.
ડો. વિવેક શર્મા સ્ટ્રેચરમાંથી જમીન પર પડ્યા
જો કે તેમને 108ના કર્મચારી સ્ટ્રેચરમાં સુવડાવીને ઇમર્જન્સી વિભાગમાં લાવ્યા ત્યારે કર્મચારીએ બાકડા પર બેઠેલા બે પ્યુનને મદદ માટે આવવાનું કહ્યું હતું. પણ તે ઉભા ન થતાં તે વખતે જ ડો.શર્મા સ્ટ્રેચરમાંથી પડી ગયા હતાં. ત્યારબાદ બધાએ ઉઠાવીને ફરી તેમને સ્ટ્રેચરમાં મૂક્યા હતાં. બનાવની જાણ થતાં એઇમ્સના તબીબો અને અન્ય તબીબો પણ તાબડતોબ પહોંચ્યા હતાં અને ત્વરીત સારવાર ચાલુ કરી હતી.
અકસ્માત કઈ રીતે થયો તે તપાસનો વિષય
ડો. શર્માના પરિવારજનો પણ પહોંચી ગયા હતાં. કરિશ્માબેન શર્માના કહેવા મુજબ દીકરીને સ્કૂલે જવાનું હોઇ તેને સ્કૂલ બસના સ્ટોપ સુધી મૂકીને પરત ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ડોક્ટરના બાઇકને કોઇ વાહને ઠોકરે લીધું કે સ્લીપ થઇ ગયું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.