પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, 2024માં પણ ભાજપ 362 સીટ સાથે ફરી સત્તા પર આવશે.
વિદ્યાર્થીઓને મોદીના પુસ્તક વિશે માહિતગાર કર્યા
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રકાશ જાવડેકરે ‘મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તક વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીએ મહાત્મા ગાંધીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી એ રાજકોટ શહેરની પ્રકાશ જાવડેકરને ઓળખ કરાવી હતી.
વડાપ્રધાનના રેકોર્ડથી લોકશાહી અને સુશાસનમાં વિશ્વાસ વધ્યો
પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સતત 20 વર્ષથી વધુ સમય સુધી લોકો દ્વારા ચૂંટણી જીતીને સત્તાના વડા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેની વિશેષતા માત્ર સમય જ નથી, પરંતુ લોકતાંત્રિક માર્ગે સતત લોકોનો વધુ પ્રેમ, વધુ વિશ્વાસ અને વધુ મત મેળવવો એ પણ તેની વિશેષતા છે. આટલા લાંબા સમય સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ પર રહીને દેશની લોકપ્રિયતાને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવો એ તેમનો જીવનમંત્ર છે. વડાપ્રધાનના આ રેકોર્ડથી લોકશાહી અને સુશાસનમાં વિશ્વાસ વધ્યો છે.
વડાપ્રધાનનું આ પુસ્તક દરેક ભારતીયે વાંચવું જોઈએ
વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન બનતાની સાથે જ સેન્ટ્રલ હોલમાં તેમણે બંધારણના પુસ્તકને નમન કર્યું, સંસદ ભવનનાં પગથિયાં પર માથું ટેકવ્યું, પોતાને વડાપ્રધાન ગણાવ્યા અને અમારી સરકાર ગરીબોને સમર્પિત હશે, આ જાહેરાત તેમની વિચારસરણી દર્શાવે છે.'MODI@20' આ પુસ્તક દરેક ભારતીયે વાંચવું જોઈએ. પુસ્તકની શરૂઆત સ્વર્ગસ્થ લતા મંગેશકરના પરિચયથી થાય છે. સદગુરુ જગ્ગી વાસુદેવ, નંદન નિલેકણી, પી.વી. સિંધુ, અરવિંદ પનાગરિયા, ઉદય કોટક, અનુપમ ખેર, ડૉ. દેવી શેટ્ટી, સુધા મૂર્તિ, નૃપદ મિશ્રા, અજીત ડોવલ, અમિત શાહ, એસ. જયશંકર, સુરજીત ભલ્લા વગેરે વિશેષ વ્યક્તિઓના લેખો છે. જેમાં તેઓએ મોદી વિશે લખ્યું છે. સાથે કામ કરતી વખતે જે અનુભવો અને કસોટીઓ આવ્યા તે લખવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.