વેકેશન ઇકેફ્ટ:રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂમાં એક મહિનામાં 67 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, મનપાને રૂ.17.96 લાખની આવક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે: મેયર ડો.પ્રદિપ ડવ

હાલ ઉનાળું વેકેશન પૂર્ણ થવાને આરે છે. પણ રાજકોટમાં ગત મે માસમાં વેકેશનના સમય ગાળા દરમિયાન મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂમાં 67 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા. જેને પગલે મનપાને રૂ.17.96 લાખની આવક થઈ છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જાહેર કરેલ સત્તાવાર યાદી અનુસાર દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

469 વન્યપ્રાણી-પક્ષીઓ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ 469 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

દર બુધવારે 3 હજાર મુલાકાતીઓ આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સ્કૂલ-કોલજમાં વિદ્યાર્થીઓ માટે વેકેશન ચાલી રહ્યુ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ-19 વૈશ્વીક મહામારીના કારણે લોકો ફરવાના સ્થળે જઇ શકેલ નહી. આથી ચાલુ વર્ષે લોકો ઉનાળુ વેકેશન દરમિયાન ફરવાના સ્થળો પર નિકળી પડેલ છે. જેમાં રાજકોટ ઝૂ ખાતે વેકેશન દરમિયાન મે માસમાં 67 હજારથી મુકાલાતીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17.96 લાખની આવક થયેલ છે. જેમાં રવિવારની રજા તથા તહેવારના દિવસે અંદાજીત 5 થી 6 હજાર મુલાકાતીઓ પધારે છે. જ્યારે બુધવારના દિવસે રાજકોટ શહેરના નાના-મોટા ઉદ્યોગોમાં રજા રહેવાથી આ દિવસે અંદાજીત 3 હજાર મુલાકાતીઓ પધારે છે. બાકીના સામાન્ય દિવસોમાં અંદાજીત 1200 થી 1500 મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે.