શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 2થી 12 માર્ચ દરમિયાન ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન રાજકોટ જિલ્લાના અંદાજિત 33થી 35 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કરાયું છે. આ પરીક્ષા કેન્દ્રો પર પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોની પરીક્ષા માટે બાહ્ય મૂલ્યાંકનકારની પણ નિમણૂક કરવાની થાય છે.
જેના માટે શાળાઓમાંથી યોગ્ય લાયકાત ધરાવતા વિજ્ઞાન પ્રવાહ (રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન)ના શિક્ષકોને બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે કામગીરીની જરૂરી સમજણ મળી રહે તે હેતુસર તારીખ 19ને શનિવારે સાંજે 4 કલાકે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કર્યું છે.
જે સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કર્યું છે તે શાળાના વિજ્ઞાનપ્રવાહના પ્રત્યેક વિષયના એક શિક્ષક આંતરિક મૂલ્યાંકનકાર તરીકે કાર્ય કરશે. શાળામાં જે-તે વિષયના એક કરતા વધુ શિક્ષકો હોય તો તેઓને પણ આ બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે. આ પરીક્ષામાં 9 હજાર વિદ્યાર્થીઓ બેસનાર છે. 130 જેટલા શિક્ષકો ફરજ બજાવશે. રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી, જેતપુર, અને જસદણના 35 કેન્દ્રો પરથી ધો.12 વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.