PGVLCની ચેકીંગ ડ્રાઈવ:રાજકોટમાં ફ્યુઝન ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીનાથ પ્લાસ્ટના કારખાનામાંથી રૂ.118 લાખની વીજચોરી ઝડપાઇ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રીનાથ પોલી પ્લાસ્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
શ્રીનાથ પોલી પ્લાસ્ટની ફાઈલ તસવીર

PGVCL રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ હેઠળની ગોંડલ ડિવિઝન ઓફિસ દ્વારા જુદા જુદા ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોની ચકાસણી કરતાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જવા પામેલ છે. જેમાં ઇન્સ્ટોલેશન ચેકીંગ સ્કવોડ દ્વારા તા. 16 જૂન 2022નાં રોજ ભરૂડી ગામ પાસે આવેલ ફ્યુઝન ઇન્ડસ્ટ્રીઝ​​​​​​​નાં કિચનવેરનાં કારખાનામાં વીજ જોડાણ ચેક કરતાં કુલ 48.72 કી.વો. લોડ જોડેલ હોવાનું સામે આવ્યું છે. આ મીટર બળેલી હાલતમાં શંકાસ્પદ જણાતા વિશેષ ખરાઈ અર્થે મીટર સિલ કરવામાં આવ્યું હતું. જે બાદ 11 જુલાઈનાં રોજ મીટર ટેસ્ટિંગ લેબમાં ગ્રાહકનાં પ્રતીનિધીની હાજરીમાં મીટર તપાસમાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે મીટર ચોરીનું રૂ.29 લાખનું પુરવણી બિલ ગ્રાહકને આપવામાં આવ્યું છે.

રૂ. 89 લાખનું પુરવણી બિલ અપાયું
જયારે 18 જૂન 2022 નાં રોજ જામવાડી જીઆઈડીસી માં આવેલ શ્રીનાથ પોલી પ્લાસ્ટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં વીજ જોડાણ ચેક કરતા કુલ 92.7 કી.વોટ લોડ જોડેલ હોવાનું માલુમ પડેલ. આ મીટરપેટી ઉપરના સિલોની ચકાસણી કરતા શંકાસ્પદ જણાતા મીટર પેટી સહિત વિશેષ ખરાઈ અર્થે સિલ કરવામાં આવેલ. જે 11 જુલાઇ ના રોજ મીટર ટેસ્ટિંગ લેબમાં ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં મીટર તપાસતાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે પાવર ચોરીનું રૂ. 89 લાખનું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.

વીજ ચોરોમાં ફફડાટ
આમ રાજકોટ ગ્રામ્ય સર્કલ હેઠળ ગોંડલનાં ઔધોગિક વિસ્તારોમાં વીજ જોડાણોની ચકાસણી કરતા ફકત બે કારખાનામાં જ કુલ રૂ. 118 લાખનાં વીજ ચોરીનાં પુરવણી બિલો આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છનાં વિસ્તારોમાં PGVCL દ્વારા હાલ ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોનું મોટા પાયે સઘન વીજ ચેકીંગ ચાલુ છે અને રોજની લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ રહી છે. આ ચેકીંગ ઝુંબેશથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.