વયોવૃદ્ધ મતદાર માટે ઘર બેઠા વ્યવસ્થા:રાજકોટમાં 108 વર્ષના વૃદ્ધા મતદારનું પોસ્ટલ બેલેટ ફોર્મ ઘરે પહોંચાડાયું, બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
108 વર્ષના ચોથીબેન લિંબાસિયાના ઘરે બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું. - Divya Bhaskar
108 વર્ષના ચોથીબેન લિંબાસિયાના ઘરે બૂથ લેવલ ઓફિસરની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આ વખતે વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા, કે મતદાન માટે બહાર ન આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં, નાના મવા મેઈન રોડ વિસ્તારમાં આજે 108 વર્ષના વયોવૃદ્ધ મહિલા ચોથીબેન લિંબાસિયાના ઘરે બૂથ લેવલ ઓફિસર વિંકલબેન લાડાણી પહોંચ્યાં હતાં અને પોસ્ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ 12-ડી ભરાવ્યું હતું. આ બુઝુર્ગ મહિલા મતદારે પણ ઉત્સાહ સાથે પોસ્ટલ બેલેટ માટે સંમતિ આપી હતી. આ મતક્ષેત્રના ચૂંટણી અધિકારી સંદીપ વર્માના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી.

પોસ્ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ-12 ડી ભરવું જરૂરી
મતદાન એ દરેકનો અધિકાર છે અને મતદાનમાંથી કોઈ બાકાત ના રહેવું જોઈએ એવી ખેવના સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ જિલ્લાનું ચૂંટણી તંત્ર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. હાલ પોસ્ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ-12 ડી જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. પોસ્ટલ બેલેટ એવી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે કે, બૂથ લેવલ ઓફિસર મતદારોના નિવાસ સ્થાનની મુલાકાત લઈને સંબંધિત મતદારને ફોર્મ-12 ડી પહોંચાડીને તેની પહોંચ મેળવશે.

મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તેવી વ્યવસ્થા કરાશે
માન્ય રાખવામાં આવેલી અરજીઓની યાદી ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. બે મતદાન અધિકારીઓની બનેલી ટીમ પોલીસ રક્ષણ અને વીડિયોગ્રાફરને સાથે લઈને આવા મતદારોના ઘરે જશે અને મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય એ રીતે મતદાન કરાવશે. ઉમેદવાર ઈચ્છતા હશે તો ચૂંટણી અધિકારીને આગોતરી જાણ કર્યા બાદ આ પ્રક્રિયાના સાક્ષી તરીકે અધિકૃત પ્રતિનિધિને નિયુક્ત કરી શકશે.

બે દિવસમાં 210થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે 142 ફોર્મ ઉપાડ્યા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્યું નથી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાની આઠ વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

આજે 8 બેઠક પર આટલા ફોર્મ ઉપડ્યા
આજે 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે 26 ઉમેદવારી ફોર્મ, 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 18 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે 27 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે 14 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે 20 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 21 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે 6 ફોર્મ મળીને 142 ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...