તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:રાજકોટ શહેરમાં પોઝિટિવિટી રેટ 1 %, દૈનિક 100થી ઓછા કેસ, સિવિલમાં 102 દાખલ, ઓપીડી 90% ઘટી

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર, હવે ક્રમશ: કેસ ઘટતા રહેશે આ સમયે સાવચેતી નહિ રાખીએ તો ત્રીજી લહેરનો ખતરો
  • કોરોનાની બીજી લહેરના અંતનો આરંભ
  • બીજી લહેર ગઈ હવે સ્થિતિમાં સુધારો પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશ અને વેક્સિનમાં ચૂક થઈ તો ત્રીજી લહેર આવી જશે : કમિશનર અગ્રવાલ

રાજકોટ શહેરે એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરનો સૌથી ઘાતક પ્રહાર સહન કર્યો છે. કેસની દૃષ્ટિએ, ટેસ્ટની દૃષ્ટિએ અને મૃતાંકની ગણતરીએ પણ એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો હતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી 31 મે સુધીની સ્થિતિનું એનાલિસિસ કરતા હવે કેસ ઘટી રહ્યા હોવાના નિર્દેશ મળ્યા હતા કારણ કે, એપ્રિલમાં જે 14496 કેસ હતા તે મે માસમાં ઘટીને 8313 થયા હતા અને ક્રમશ: કેસ ઘટી રહ્યા છે.

આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પ્રશ્ન કરાયો હતો કે, બીજી લહેર હવે પૂરી થઈ છે કે નહિ અથવા તો કઇ સ્થિતિએ પૂરી થઈ ગણાય આ મામલે તેઓએ કહ્યું હતું કે, મહામારીમાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેશિયો સારો ગણાય અને અંત ગણી શકાય આજે શહેરમાં સૌથી ઓછો 1 ટકા પોઝિટિવિટી રેશિયો નોંધાયો છે તેથી કહી શકાય કે બીજી લહેર સમાપ્ત થઈ છે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ અને વેક્સિનને મહત્ત્વ ન અપાયું તો ત્રીજી લહેર આવી શકે છે.

આ જ પ્રશ્ન સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીને કરાયો હતો તેમણે કહ્યું કે, હવે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 102 દર્દી દાખલ છે અને કોવિડ ઓપીડી જે પહેલા 1000ની નજીક હતી તે હવે 80 પર આવી ગઈ છે એટલે કે 90 ટકા ઘટાડો આવ્યો છે.

મહાનગરપાલિકા અને સિવિલ બંને સ્થળોએથી બીજી લહેરના અંતના પુરાવા મળ્યા છે પણ અહીં એ યાદ કરવું જરૂરી છે કે સપ્ટેમ્બરમાં જ્યારે પહેલી લહેર આવી તો તે પણ ઓક્ટોબરમાં સમાપ્ત થવા પર હતી ત્યાં દિવાળી આવતા સોશિયલ ડિસ્ટન્સ ઘટતા ફરી કેસ વધ્યા અને નવેમ્બરમાં લહેરનો સામનો કરવો પડ્યો હતો તેને પણ આંશિક બીજી લહેર કહેવાઈ હતી.

રાજકોટમાં ક્યારે કેસ વધ્યા અને તે પાછળના કારણો

મહિનોકેસકારણ
માર્ચથી જુલાઈ-201215

લોકડાઉન પહેલા જ કેસ આવી જતા સંક્રમણ ધીમે ધીમે આગળ વધ્યું

ઓગસ્ટ2047

કોરોનાના કેસ એકદમ ઝડપથી વધવા લાગ્યા

સપ્ટેમ્બર2973

અનલોક થતા જે છૂટ મળી તે બાદ પ્રથમ વેવ આવી

ઓક્ટોબર1700

આકરા નિયમને કારણે સ્થિતિ થોડી કંન્ટ્રોલમાં આવી

નવેમ્બર3032

દિવાળીના તહેવાર પછી કેસ વધ્યા, આંશિક બીજી લહેર માનવામાં આવી

ડિસેમ્બર2117

ફરી આકરા નિયમથી રાહત થઈ

જાન્યુઆરી1590

કર્ફ્યુનો સમય વધારી દેવાયો તેથી કેસ ઘટ્યા

ફેબ્રુઆરી559

ઓગસ્ટ બાદ વર્ષમાં સૌથી ઓછા કેસ, છૂટછાટ આપી દેવાઈ

માર્ચ3345

ચૂંટણી, સ્કૂલ ખૂલી, છૂટછાટ અપાયા બાદ કેસ વધ્યા

એપ્રિલ14496

ત્રીજી વખત કેસમાં વધારો આવ્યો પણ તંત્રએ બીજી લહેર જ બતાવી

મે8313

કેસ, પોઝિટિવિટી અને દાખલ દર્દી ઘટતા બીજી લહેરનો અંત ગણાયો

શહેરના મહત્તમ લોકોને રસી આપવા પ્રયાસ
લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જ પડશે આ દરમિયાન મહત્તમ લોકોને રસીથી સુરક્ષિત કરવા માટે મનપા પ્રયત્નશીલ છે અને કેસ ઘટ્યા છે તો તેના પર વધુ ધ્યાન અપાશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સરવે પહેલાની જેમ થશે. > ઉદિત અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર

બીજી લહેર ગઈ, ત્રીજી આવે કે ન આવે અમે તૈયાર
સિવિલ હોસ્પિટલની સ્થિતિએ બીજી લહેર પૂરી થઈ છે. ઓક્સિજનની કેપેસિટી વધારી દીધી છે અને મેન્ટનન્સ કરાઈ રહ્યું છે. બેડ, આઈસીયુની કેપેસિટી બધું જ વધારી રહ્યા છીએ. ત્રીજી લહેર માટે સજ્જ છીએ પણ આશા રાખીએ કે ન આવે. > ડો. આર.એસ. ત્રિવેદી, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ

ત્રીજી લહેર આવવાની જ છે તે માનીને કાળજી રાખીએ
જ્યાં સુધી રોજ 0 કોરોના પોઝિટિવ કેસ ન આવે ત્યાં સુધી જોખમ ઊભું જ છે. પહેલી લહેરના અંત વખતે નિષ્ફિકર બનતા બીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો. કેસ ભલે ઘટ્યા પણ સૌ કોઇએ ત્રીજી લહેર આવવાની છે તે માનીને જ સાવચેત રહેવાનું છે. > પ્રદીપ ડવ, મેયર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...