તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહી રહીને તંત્ર જાગ્યું:સૌરાષ્ટ્રમાં પ્રથમ રાજકોટમાં બેડ અંગે વેબ પોર્ટલ શરૂ, જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી તે અંગે માહિતી દર્શાવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિ દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. - Divya Bhaskar
સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિ દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું.
  • રાજકોટ જિલ્લામાં હાલની સ્થિતિ મુજબ 5382 બેડ ભરેલા અને 1474 બેડ ખાલી

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં લોકોએ બેડ મેળવવા માટે આમ તેમ ધક્કા ખાવા પડતા હતા. જોકે માહિતીના અભાવે દર્દીને લઇ સ્વજનો એક જગ્યાથી બીજી જગ્યા પર બેડ માટે ભાગદોડ કરવી પડી રહી હતી. જોકે બીજી લહેરમાં આંશિક રાહત જોવા મળતા તંત્ર દ્વારા હવે રહી રહીને કોવિડ દર્દી માટે બેડની માહિતી આપતું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શહેર અને જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલ અંગે માહિતી દર્શાવવામાં આવી છે. આ વેબ પોર્ટલ રાજકોટમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ICU બેડ પણ હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે
થોડા સમય પહેલા રાજકોટવાસીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કોવિડ માહિતી અંગે વિગત જાહેર કરતું પોર્ટલ તૈયાર કરવા માગ ઉઠી હતી અને તંત્ર સામે આ માટે વોર ચલાવવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા શહેર અને જિલ્લાની માહિતી દર્શાવતું કોવિડ બેડ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબપોર્ટલના આંકડા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 6856 કુલ બેડની વ્યવસ્થા છે. જેની સામે હાલની સ્થિતિ મુજબ 5382 બેડ ભરેલા છે. જ્યારે કે 1474 બેડ ખાલી છે. જેમાં 4835 ઓક્સિજન બેડનો સમાવેશ થાય છે. જ્યારે કે 780 ICU બેડનો સમાવેશ થાય છે. જોકે આજે પણ મોટાભાગના ઓક્સિજન અને ICU બેડ હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે. જે પણ એક ચિંતાનો વિષય જરૂર છે.

કેટલા ટકા બેડ ખાલી છે તે પણ વેબ પોર્ટલમાં દર્શાવશે.
કેટલા ટકા બેડ ખાલી છે તે પણ વેબ પોર્ટલમાં દર્શાવશે.

રાજકોટ જિલ્લામાં 78.5 ટકા બેડ આજે પણ ભરેલા છે
રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં શહેર અને જિલ્લાના મળી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 48 હજારને પાર પહોંચી ચૂકી છે. ત્યારે રાજકોટમાં આજે કોરોના કેસ અને મૃત્યુઆંકમાં આંશિક રાહત જરૂર જોવા મળી છે. પરંતુ આજે પણ હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટિલેટર બેડ આસાનીથી મળી શકતા નથી. રાજકોટમાં 6856 બેડ પૈકી 5382 બેડ પર દર્દી સારવાર લઇ રહ્યાં છે એટલે કે 78.5 ટકા બેડ આજે પણ ભરેલા છે. જ્યારે માત્ર 21.5 ટકા બેડ ખાલી છે.

રાજકોટમાં બેડની માહિતી દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું.
રાજકોટમાં બેડની માહિતી દર્શાવતું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું.

ખાનગી હોસ્પિટલમાં હજુ પણ આસાનીથી દર્દીઓને સારવાર મળી શકતી નથી
રાજકોટ શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં કુલ 4485 બેડની વ્યવસ્થા છે. જે પૈકી 3380 બેડ પર દર્દીની સારવાર ચાલી રહી છે જ્યારે કે 1105 બેડ ખાલી હોવાનું તંત્રના પોર્ટલ પરના આંકડામાં સામે આવી રહ્યું છે. તંત્રના કોવિડ માહિતી વેબપોર્ટલ આંકડા મુજબ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 2855 ઓક્સિજન બેડ પૈકી 576 બેડ ખાલી છે. જ્યારે 548 ICU બેડ પૈકી 15 બેડ ખાલી છે. જોકે વાસ્તવિકતા એ છે કે ખાનગી હોસ્પિટલમાં હજુ પણ આસાનીથી દર્દીઓને સારવાર મળી શકતી નથી. ત્યારે સરકારી ચોપડે બેડ ખાલી હોવા છતાં દર્દીઓને સારવાર ન આપતી ખાનગી હોસ્પિટલ સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવું અગત્યનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...