રાષ્ટ્રસંતની તબિયત લથડી:ગોંડલમાં પૂ. નમ્રમુનિ મહારાજને છાતીમાં દુખાવો થતા રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં દાખલ, જૈન સમાજ ચિંતિત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબની ફાઈલ તસવીર.
  • ગોંડલમાં પૂ. નમ્રમુનિ મહારાજની નિશ્રામાં આયંબિલ પર્વની ઉજવણી ચાલી રહી છે

જૈન સમાજનું આયંબિલ ઓળી પર્વ ચાલી રહ્યું છે. દરેક ઉપાશ્રય દેરાસરમાં સાધુ ભગવંતોની નિશ્રામાં આયંબિલ પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગાદીના ગામ ગોંડલમાં રાષ્ટ્રસંત પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આયંબિલ આરાધનામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા છે. પરંતુ આજે સવારે નમ્રમુનિ મહારાજની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદ કરાતા પ્રથમ ગોંડલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખસેડાયા છે. રાષ્ટ્રસંતની તબિયત લથડતા જૈન સમાજમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ સઘન સારવાર શરૂ કરી
પૂજ્ય મહારાજ સાહેબને હૃદયની તકલીફ આ પહેલા પણ થઈ હતી. આથી ડોક્ટરે વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઈ જવાનું સૂચન કર્યું હતું. પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની તબિયતને લઈને શ્રી સંઘ પણ ચિંતિત બનતા ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી સહિત જૈન અગ્રણીઓ તાબડતોબ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબને રાજકોટ લાવ્યા હતા. રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે અને ડોક્ટરોએ સઘન સારવાર શરૂ કરી છે.

સવારે દર્શનાર્થીઓની હાજરીમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
આ અંગે સંઘ પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબને સવારે દર્શનાર્થીઓની હાજરીમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી ગોંડલના સ્થાનિક ડોક્ટરોનાની સુચના મુજબ રાજકોટ લાવવામાં આવ્યા છે. અહીં સિનર્જી હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં શિફ્ટ કરાયા હતા. સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયા, ડો.કિંજલ ભટ્ટ તથા ડો.પોપટાણી દ્વારા વિવિધ રિપોર્ટ કરવામાં આવ્યા છે, આમ તો તબિયત સ્થિર છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે ત્યારબાદ એ મુજબ સારવાર કરાશે. આ પહેલા પણ પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબને મુંબઇ લીલાવતી હોસ્પિટલમાં પણ ગભરામણ થવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા.

સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ તબિયત સ્થિર હોવાનું કહ્યું
સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોના કહેવા મુજબ મહારાજ સાહેબની સારવાર શરુ કરવામાં આવી છે અને તબિયત સ્થિર છે. નબળાઇના કારણે આમ બન્યું હોય શકે છે. પૂજ્ય નમ્રમુનિના ભક્તો દેશ-વિદેશમાં છે અને આ બાબતની જાણ થતાં તેમની તબિયતના ખબર પૂછતા ફોન અને સંદેશાઓ શરૂ થઈ ગયા છે. હાલ અતિશય ગરમી અને આયંબિલ આરાધનાને કારણે દિવસ દરમિયાન કાર્યક્રમોની ભરમાર સાથે સાથે તપ સાધના પણ ચાલુ જ હોય આ બધાની અસર પૂજ્ય નમ્રમુનિ મહારાજની તબિયત પર પડી હોય શકે. તેમના સ્વાસ્થ્ય માટે ભક્તો પણ ચિંતિત છે અને જલ્દી સ્વસ્થ થાય તેમ પ્રાર્થના કરી રહ્યા છે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...