કોર્ટનું રાજકારણ:રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં રાજકીય અપસેટ સર્જાયો,સાંસદ અને ધારાસભ્ય સમર્થિત પેનલનો હાથ ઉપર રહ્યો, અગ્રણી દિલીપ પટેલની પીછેહઠ

રાજકોટએક મહિનો પહેલા
અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો
  • એસો.ના પ્રમુખ પદે જીનીયસ પેનલના અર્જુન પટેલનો ભવ્ય વિજય, 349 મતની લીડ
  • રાજકોટ ભાજપમાં ‘બે ભાગલા’ની વધુ એક સાબીતી

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપનું નવું જૂથ કાઠું કાઢી ગયું છે. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 3082 પૈકી 2011 મતદારોએ મતદાન કર્યું હતું અંદાજિત 62 ટકા મતદાન થયા બાદ મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રમુખ પદે જીનીયસ પેનલના અર્જુનભાઈ પટેલની વરણી થતાં સાંસદ રામભાઈ મોકરીયા અને MLA ગોવિંદ પટેલ પ્રેરિત પેનલનો હાથ ઉપર રહ્યો છે.પપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની વરણી થઇ છે. જયારે અગ્રણી વકીલ દિલીપ પટેલની પીછેહઠ થઈ છે.

ભાજપમાં અંદરખાને બે ભાગલા પડી ગયા
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે જૂથ વચ્ચે સીધો જંગ જામ્યો હતો અને બંને જૂથ દ્વારા જીત મેળવવા એડીચોટીનું જોર લગાડવામાં આવ્યું હતું. જેને પગલે રાજકોટ ભાજપમાં અંદરખાને બધુ બરાબર ન હોવાના તથા આગેવાનોમાં બે ભાગલા થઈ ગયા હોવાની ઘટના બની હતી. જ્યાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓની ભાજપને જ સમર્થિત વકીલોના જીનિયસ પેનલની પડખે સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય ગોવિંદ પટેલ ચડયા હતા. જયારે પુર્વ સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્ર એસ. ભારદ્વાજ- દિલીપ પટેલ સહિત ભાજપ લીગલ સેલ સમર્થિત પેનલ પણ સામે મેદાને આવ્યા હતા.

MP રામભાઈ મોકરિયા ( ડાબી તરફ) અને MLA ગોવિંદભાઈ પટેલ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર
MP રામભાઈ મોકરિયા ( ડાબી તરફ) અને MLA ગોવિંદભાઈ પટેલ ( જમણી તરફ)ની ફાઈલ તસવીર

સતાના સમીકરણો બદલાયાનો પુરાવો
એવું ચર્ચાય રહ્યું છે કે સાંસદ મોકરિયા અને ગોવિંદ પટેલના ટેકાના પ્રતાપે જીનિયસ પેનલને જીત મળી છે. જુના અગ્રણી અને સમરસ પેનલ જેને ગણકારતા ન હતા તેનો જવાબ આ પરિણામ એ આપ્યો હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં અમીત ભગતની પેનલને અગ્રણી વકીલ દિલીપ પટેલ-અંશ ભારદ્વાજ સહિત ભાજપ લીગલ સેલનું સમર્થન હતું. છતાંય અર્જુન પટેલની પેનલે ઉમેદવારી નોંધાવતા સાંસદ મોકરિયા તેના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગયા હતા. જે સતાના સમીકરણો બદલાયાની સાક્ષી પુરે છે.

અર્જુન પટેલની પેનલે ઉમેદવારી નોંધાવતા સાંસદ મોકરિયા તેના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગયા હતા
અર્જુન પટેલની પેનલે ઉમેદવારી નોંધાવતા સાંસદ મોકરિયા તેના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગયા હતા

રૂપાણીના રાજીનામા બાદ ઘણા પરિવર્તનો આવ્યા
ઉલ્લેખનીય છે કે પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકોટ ભાજપમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. જેમાં વિજયભાઈની નજીકના અનેક સ્થાનિક નેતાઓ ભાજપથી અળગા રહ્યા છે. અને હવે રાજકોટમાં સાંસદ રામભાઈ મોકરીયા અને MLA ગોવિંદ પટેલનું કદ પણ વધી રહ્યું છે. અને બન્ને રાજકોટના રાજકારણમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા છે.

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકોટ ભાજપમાં ઘણા પરિવર્તનો આવ્યા
પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકોટ ભાજપમાં ઘણા પરિવર્તનો આવ્યા

અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો
ગઈકાલના પરિણામની વાત કરીએ તો રાજકોટ બાર એસો. પ્રમુખ પદે જીનીયસ પેનલના અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને 349 મતની લીડ મળી છે. કુલ પડેલા 2011 મતમાંથી અર્જુનભાઇને 915, જીજ્ઞેશ જોશીને 566 અને સમરસ પેનલના અમિત ભગતને 418 મત મળ્યા છે.જ્યારે ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. તેમને 1065 મત મળ્યા છે.

અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો
અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો

સિધ્ધરાજસિંહને 263 મતની લીડ મળી
જ્યારે જીનીયસ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર બિમલ જાનીને 802 મત મળ્યા છે. સિધ્ધરાજસિંહને 263 મતની લીડ મળી છે.સેક્રેટરી પદે જીનીયસ પેનલના પી.સી. વ્યાસ વિજેતા થયા છે. તેમને 985 મત મળ્યા છે. જ્યારે તેમના હરીફ સમરસ પેનલના દિલીપ મહેતાને 829 મત મળ્યા છે. એટલે કે 156 મતની લીડ છે.

ટ્રેઝરર પદે સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ચૂંટાયા છે
ટ્રેઝરર પદે સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ચૂંટાયા છે

સમરસ પેનલે બાજી મારી
આ તરફ ટ્રેઝરર પદે સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ચૂંટાયા છે. તેમને જીનીયસ પેનલના ઉમેદવાર ડી.બી. બગડા કરતા 116 મત વધુ મળ્યા છે. જીતેન્દ્ર પારેખને 980 અને ડી.બી. બગડાને 864 મત મળ્યા છે.લાયબ્રેરી સેક્રેટરી પદે પણ સમરસ પેનલે બાજી મારી છે. સુમિત વોરાને 1034 મતો મળ્યા છે જ્યારે જીનીયસ પેનલના અજય જોશી(એ.કે.)ને 777 મત મળ્યા છે.

મહિલા અનામત સીટ ઉપર કાછડીયાનો વિજય
કારોબારીની મહિલા અનામત સીટ ઉપર ચેતનાબેન કાછડીયા વિજય થયા છે તેમને 900 મત મળ્યા છે અને તેમના હરીફ સમરસ પેનલના હિરલબેન જોશીને 687 મત મળ્યા છે. અને ત્રીજા મહિલા ઉમેદવાર અરુણાબેન પંડ્યાને 183 મત મળ્યા છે. આમ ચેતનાબેનને 217 મતની લીડ મળી છે.

અન્ય સમાચારો પણ છે...