ચૂંટણી પૂરી થયા બાદ સૌથી વધુ ચર્ચા નવી સરકારમાં કોને કોને મંત્રીપદ મળશે તેને લઈને અને તેમાં પણ ઝોન મુજબ એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી કેટલાને સ્થાન અપાશે તે પર અટકળો તેજ બની છે. ચર્ચાતી વિગતો મુજબ સૌરાષ્ટ્રમાં જંગી જીત બદલ કેબિનેટમાં સારી સંખ્યામાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સ્થાન મળે તેવી શક્યતા છે જેમાં રાજકોટના 8 બેઠકમાંથી જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયાના નામો આગળ ધરાઈ રહ્યા છે. કેબિનેટમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોની વધુ સંખ્યા ઉપરાંત એક એવી પણ ચર્ચા છે.
કે કેબિનેટમાં બેથી ત્રણ ધારાસભ્યોને લઈ લેવાશે અને બાકીના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ રહેશે. જો કે આ પ્રભુત્વને બેલેન્સ કરવા માટે નાયબ મુખ્યમંત્રીના મહત્વના પદ માટે સૌરાષ્ટ્રમાંથી જ પસંદગી કરાશે જેથી કેબિનેટમાં ઓછું સ્થાન પણ નાયબ મુખ્યમંત્રી જેવો મોટો હોદ્દો આપીને સમતોલન જળવાશે.
રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા અને બાવળિયા જેવા જૂના દિગ્ગજો ઉપરાંત વિધાનસભા પૂર્વમાં જીતેલા ઉદય કાનગડ કે જેને ઓબીસીનો ચહેરો બતાવાયો છે તેમને પણ પદ મળે તેવી ચર્ચા છે. આ ઉપરાંત ખોડલધામ સાથે જોડાયેલા અને ઉદ્યોગપતિ એવા રમેશ ટીલાળાને મહત્વનું પદ આપીને ઉદ્યોગકારો અને સૌરાષ્ટ્રના પાટીદારોને રાજી કરાશે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ અને તમામ રેકોર્ડ તોડનાર ડો. દર્શિતાબેન શાહની પણ ચર્ચાઓ છે, તેઓ ભાજપની પારંપરિક બેઠકમાંથી જીત્યા હોવાથી તેમજ અગાઉ મનપામાં પણ હોદ્દાઓ નિભાવી ચૂક્યા છે આ બાબત તેમને પદ મેળવવામાં ફાયદો કરાવશે કે પ્રતિકૂળ સ્થિતિ સર્જશે તે મુદ્દે બે અલગ અલગ મતમતાંતર ચાલી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં દિગ્ગજો નહિં તો શિક્ષણવિદને હોદ્દો આપી ક્લીન ઈમેજ માટે ધોરાજીમાં લલિત વસોયાને હરાવનાર ડો. મહેન્દ્ર પાડલિયાને શિક્ષણ વિભાગ મળે તેવી ચર્ચાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.