ક્રાઇમ:પોલીસ પુત્રે તોડફોડ કરી નિવૃત્ત પોલીસમેનને ધમકી આપી કે, ‘તારા પુત્રને હું મારી નાખીશ’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શ્રોફ રોડ, ઓમ એપાર્ટમેન્ટમાં ઝઘડાનો ખાર રાખી તોડફોડ કરી

શહેરમાં નિવૃત્ત પોલીસમેનના ફ્લેટ બહાર તોડફોડ કરી પોલીસપુત્રે ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. શ્રોફ રોડ પર ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત પોલીસમેન અજિતસિંહ નાનભા ઝાલાએ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પુત્ર સિરાજ રહીમભાઇ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સિરાજ તેના ફ્લેટે આવ્યો હતો. તે અમારા ફ્લેટના દરવાજા સામે ઊભો રહી ડોકિયા કરી પુત્ર સામે કાતર મારી બહાર બોલાવવા ઇશારો કર્યો હતો. પુત્ર બહાર નીકળી કેમ તું કતરાય છે. તેમ પૂછતા તે જવાબ આપ્યા વગર જતો રહ્યો હતો.

રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં સિરાજ એક મહિલા અને પુરુષ સાથે ધારિયું લઇને આવી જોરજોરથી ગાળો દેવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા સિરાજ વધુ ઉશ્કેરાય જઇ ફ્લેટના દરવાજા પર અને બહાર લગાડેલા સીસીટીવી કેમેરા પર ધારિયાના ઘા ફટકારી નુકસાન કર્યું હતું અને આજે તો તારા દીકરાને જાનથી મારી નાંખવો છેની સિરાજ ધમકી આપી નાસી ગયો હતો. સિરાજે તેનો ફ્લેટ આઠેક મહિના પહેલા કોઇને ભાડે આપ્યો હોય તે ભાડૂઆત કચરો પોતાની કચરાપેટીમાં નાંખતા હોવાથી પુત્રે સિરાજને વાત કરી હતી. ત્યારે સિરાજે ઝઘડો કર્યો હતો. જોકે, બાદમાં સમાધાન થઇ જવા છતાં ફરી ધમાલ કરી તોડફોડ કરી હતી.

અન્ય બનાવમાં વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં રહેતા પ્રતિક લલિતભાઇ પીઠડિયાને તેના મોબાઇલ પર અજાણ્યા શખ્સે ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રતિકને છ મહિના પહેલા એક યુવતી સાથે મિત્રતા થઇ હતી. જે મિત્રતા થોડા સમય બાદ પૂરી કરી નાંખી હતી. દરમિયાન બે દિવસ પહેલા હું રોશની બોલું છું તેમ કહી મોબાઇલમાં કોઇ છોકરીએ ગાળો ભાંડી ફોન કાપી નાંખ્યો હતો. થોડી વાર બાદ તે જ નંબર પરથી કોઇ શખ્સનો ફોન આવ્યો હતો અને તે શખ્સે તારે અશ્વિનભાઇને જે કહેવું હોય તે કેજે હું ઘરેથી નીકળી ગયો છું, તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, હું કાનભા તને છરીના ઘોદા મારી દઇશની ધમકી આપી ફોન કટ કરી નાંખ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...