સઘન ચેકિંગ:બજારમાં પોલીસ ડ્રોનથી વોચ રાખશે, ભીડ કરનારા સામે કડક કાર્યવાહી : CP

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ, માસ્કનું ચેકિંગ સઘન કરાશે
  • રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરાવાશે

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે નિયંત્રણો લાદ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ સજ્જ થઇ છે, શહેરની મુખ્ય બજારોમાં પોલીસ ડ્રોનથી વોચ કરશે અને ભીડ કરનારાઓ સામે કડકાઇથી કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, શનિવાર રાતના 10 વાગ્યાથી કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે, હોટેલ રેસ્ટોરન્ટમાં 11 વાગ્યા સુધી ટેઇક અવેની છૂટ રહેશે.

ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા બંધ થતાં કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળીને પોતાને તથા પોતાના પરિવારને સંક્રમણથી બચાવી શકાશે. સરકારની ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન કરાવવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી છે, શહેરની મુખ્ય બજારોમાં ભીડ જોવા મળતી હોય છે અને ત્યાંથી કોરોના સંક્રમણ ફેલાવાની સૌથી વધુ દહેશત હોય પોલીસ બજારોમાં ડ્રોનથી વોચ રાખશે અને વેપારીને ત્યાં ભીડ જોવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં પોલીસ અને મનપાની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરશે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ પોલીસ શોધી કાઢશે, કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, જે વ્યક્તિએ હજુ સુધી વેક્સિન લીધું ન હોય તેમણે તાકીદે વેક્સીન લેવી આવશ્યક છે, તેમજ બહારથી આવતા લોકો પર પણ પોલીસની વોચ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને એસટી બસસ્ટેશન સહિતના વિસ્તારમાં ભારે ભીડ થતી હોય છે ત્યાં પોલીસની વોચ રહેશે.

અન્ય સમાચારો પણ છે...