દરોડો:રાજકોટ નજીક ખેતરના વંડામાં ચાલતા દારૂના કટિંગ વખતે જ પોલીસ ત્રાટકી, 3 કારમાંથી 13.91 લાખની દારૂની 3168 બોટલ મળી, એક શખ્સની ધરપકડ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારમાં દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ. - Divya Bhaskar
કારમાં દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ.
  • પોલીસને જોતા જ બૂટલેગરોમાં નાસભાગ મચી હતી, બે આરોપી ફરાર

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગત મોડીરાતે બે વાગ્યે રાજકોટ-ભાવનગર હાઇવે પર રાજસમઢીયાળા ગામની સીમ પર રંગૂન માતાના મંદિર પાછળ આવેલા ખેતરના વંડામાં દારૂના કટિંગ વખતે જ બાતમી પરથી દરોડો પાડ્યો હતો. જેમાં રાજકોટ કોઠારિયા રોડ આસોપાલવ સોસાયટીના પ્રકાશ ઉર્ફે ચિકીડો જયસુખભાઇ દુધરેજીયાને રૂ.13 લાખ 91 હજારના 3168 બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે દારૂ સાથે ત્રણ કાર મળી કુલ રૂ. 28,91,540નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે કુલ 28,91,540નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે રાત્રિના પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસમઢીયાળા ગામની સીમમાં રંગૂન માતા મંદિરના પાછળના ખેતરમાં ત્રણ ફોરવ્હિલમાં દારૂનો જથ્થો આવ્યો છે અને કટીંગ થઇ રહ્યું છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પ્રકાશ ઉર્ફ ચિકીડો દુધરેજીયાને પકડી લઇ ત્રણ અલગ અલગ કારમાં ભરેલો દારૂનો જથ્થો રૂ. 13,91,040નો તથા રૂ. 15 લાખની ત્રણ કાર મળી કુલ 28,91,540નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કારમાંથી દારૂનો જથ્થો મળ્યો.
કારમાંથી દારૂનો જથ્થો મળ્યો.

3 શખ્સોએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો
પકડાયેલા પ્રકાશની પૂછપરછ કરતા ભાગી ગયેલા શખ્સોમાં રાજુ ઉર્ફે લાલજી ગોરધનભાઇ સરવૈયા અને ભરત તલસાણીયા છે. તેમજ એક અજાણ્યો શખ્સ પણ ભાગી ગયો હતો. જે 3 શખ્સોએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેને લઇને પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પ્રકાશ વિરુદ્ધ અગાઉ 21 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. જેમાં પ્રોહિબિશન અને મારામારીના એક ગુનાનો સમાવેશ થાય છે અને વર્ષ 2010માં એક વખત પાસા હેઠળ ગોધરા જેલ ખાતે ધકેલાયો હતો. ઉપરાંત પકડવાના બાકી આરોપીઓ પૈકી રાજુ પણ બે વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ સાથે દારૂનો જથ્થો અન્ય કોને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ કાર કબ્જે કરી.
ત્રણ કાર કબ્જે કરી.