શહેરમાં પોલીસ તંત્ર દ્વારા વધુ એક વખત લોકો પર અતિશ્યોક્તિ કરી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અગાઉ વાહનચાલકોને આડેધડ ઇ-મેમો ફટકારી ગેરકાયદેસર રીતે દંડ સ્વરૂપે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. આ સમયે વાહનચાલકોની વહારે આવેલા વકીલો વધુ એક વખત લોકોની મદદે આવી કનડગડ કરતા પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે. શહેર પોલીસે તાજેતરમાં વાહનોમાં રાખેલા પ્રેસ, પોલીસ, સરકારી તંત્રના બોર્ડ ઉતરાવી તેમજ વાહનો પર લખેલા લખાણોને હટાવવાની ઝુંબેશ ચાલુ કરી હતી. જે પોલીસ તંત્રની ઝુંબેશનો રાજકોટ બાર એસોસિએશને વિરોધ કર્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું કે, હાલ પોલીસ તંત્ર ફોર વ્હિલ કે ટુ વ્હિલ પર લખેલા લખાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. જે પોલીસની ઝુંબેશ ગેરકાયદેસર છે. પોલીસની આ કાર્યવાહી સામે રાજકોટ બાર એસો.ના તમામ વકીલો વિરોધ નોંધાવે છે. વધુમાં પટેલે કહ્યું કે, પોલીસને કાયદાની સમજ હોય તેવું લાગતું નથી, પોલીસ તંત્રે પહેલા તો એમવી એક્ટનો અભ્યાસ કરવો જોઇએ. એડવોકેટ, પ્રેસ, ડોક્ટર આ કાયદાથી રચાયેલી સંસ્થાઓ છે.
અને રાષ્ટ્રીય સ્તરે કાર્યરત આ બધી સંસ્થાઓનો લોગો કાયદાની પરિભાષાથી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આવા પોલીસ તો શું કોઇ પણ આ લોગોને ઉખાડી શકે નહીં. પોલીસની આ ડ્રાઇવ ખોટી અને ગેરકાયદેસર છે. મોટર વ્હિકલ એક્ટની 36મી કલમની વ્યાખ્યા મુજબ, કોઇ પણ વાહનોની નંબર પ્લેટ આરટીઓ માન્ય જ હોવી જોઇએ. નંબર પ્લેટમાં કોઇ ચેડાં કર્યા હોય તો તે દંડનીય કૃત્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.