જસદણના આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે વેરાવળથી બીલડી જતા કાચા રસ્તે આવેલી ભુરાભાઈ ગાંડુભાઈ વાઘેલાની વાડીએ રેડ કરી હતી. જેમાં પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર બસના ચોરખાનામાંથી 10.26 લાખનો વિદેશી દારૂ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બસમાં રહેલા ચોરખાનામાંથી 286 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિશાલ સોલંકી દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને ઝડપી લીધો હતો.
રાજસ્થાન પાસિંગની બસમાં દારૂ લવાતો
રાજસ્થાન પાસિંગની પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસના સોફા હેઠળ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આટકોટ પોલીસે આજે સવારે વાડીમાં દોરોડા પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ ભીખાભાઈ સાગઠિયા ફરિયાદ કરતા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ કલમ 65 (એ) (ઇ), 116 (બી), 81, 98 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં નોંધાયેલા આરોપીના નામ
ફરિયાદમાં આરોપીઓ તરીકે ભરત ભીખા જાદવ, ગોપાલ હસમુખ મકવાણા, રાજુ લાલજી પરમાર, સંજય ઉર્ફે શની મગન ડાભી, પોલીસ કોન્સ્ટેબલ વિશાલ નારણ સોલંકી, ભુરા ગાંડુ વાઘેલા, હિતેષ ભરવાડ, હિતેષ ભરવાડ, RJ-46-PA-1682 નંબરની પ્રિન્સ ટ્રાવેલ્સ બસનો ડ્રાઇવર ક્લિનર અને દારૂનો જથ્થો મોકલનારનો સમાવેશ થાય છે.
પોલીસે 21.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ગેરકાયદેસર, પાસ-પરમીટ વગર, વેચાણ કરવાના ઇરાદે પોતાના ભોગવટાની ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂ ભરી લાવી કટિંગ કરતા હતા. દરમિયાન રેડ કરતા વિદેશી દારૂ રોયલ જનરલ પ્રિમિયમ બ્લેન્ડેડની 1152 બોટલ (કિંમત રૂ.3,45,600), બ્લ્યુ સ્ટ્રોક, એક્સક્વિઝિટની 1164 બોટલ (કિંમત રૂ.3,49,200), સુપર જ્યુબિલિ સ્પેશિયલ વ્હીસ્કીની 564 બોટલ (કિંમત રૂ.1,69,200) અને ડિસ્કાઉન્ટ પ્રિમિયમ વ્હીસ્કીની 540 બોટલ (કિંમત રૂ.1,62,000) મળી કુલ રૂ.10,26,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત મારૂતી સુઝુકી કંપનીની GJ-01-HD-4522 નંબરની અલ્ટો કાર (કિંમત રૂ 70,000), GJ-03-BF-5433 નંબરનું ટીવીએસ સ્ટાર સિટી બાઇક (કિંમત રૂ.5000) અને 17 મોબાઇલ કબ્જે કર્યા છે.
બસ રાજસ્થાન-હરિયાણાથી આવી હતી
આટકોટ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રાવેલ્સ બસમાં દારૂ લાવી સાણથલી વેરાવળ ગામની સીમમાંથી આવેલી એક વાડીમાં ઉતારવામાં આવી રહ્યો છે. દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે દરોડો પાડતા વાડીનો મજૂર, અને અન્ય ચાર આરોપી ઝડપાયા હતા. સ્થળ પરથી 286 દારૂની પેટીમાં રહેલ આશરે 3400થી વધુ દારૂની બોટલો કબ્જે કરી આટકોટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સ્લીપર કોચ બસ રાજસ્થાન હરિયાણાથી આવી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.
અગાઉ રાજકોટમાં દારૂ લેવા પડાપડી થઈ હતી
રાજકોટમાં એક મહિના પહેલા દારૂબંધીના કાયદાના લીરેલીરા ઊડતા હોવાની ઘટના સામે આવી હતી. શહેરના હાર્દ સમા અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા શખસની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. એ સમયે સ્થાનિકોને બેગમાં દારૂ છે એવી જાણ થતાં પોલીસને જાણ કરવાને બદલે ગણતરીની સેકન્ડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી. જોકે એ સમયે પોલીસના આગમનનો અણસાર આવી જતાં તરત ટોળું બેગની આસપાસથી ખસી ગયું હતું. એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. આરોપી અલ્તાફ બોદુભાઈ હોથીની પૂછપરછ કરતાં તે STનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.