તપાસ:ગુજસીટોકના ચાર ઇસમોનો જેલમાંથી કબજો લેતી પોલીસ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂત્રધાર એજાજ ખીયાણી હજુ પણ પોલીસ પક્કડથી દૂર

શહેરના ભીસ્તીવાડ વિસ્તારમાં ગેંગ બનાવી 10 વર્ષમાં 76 ગુનાને અંજામ આપનાર એજાજ ખીયાણી અને તેની ગેંગના 10 ઇસમો સહિત 11 સામે ગુજસીટોક હેઠળ પોલીસે ગુનો નોંધી અગાઉ છ ઇસમોની ધરપકડ કરી હતી. અન્ય ચાર આરોપીઓ જેલમાં હોય તેનો શુક્રવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. ભીસ્તીવાડમાં રહેતા એજાજ અહેમદ ખીયાણી અને અન્ય દસ ઇસમો વર્ષ 2011 થી 2020 સુધીમાં ગેંગ બનાવી લૂંટ, હત્યા, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિત 76 ગુના આચર્યા હતા.

કુખ્યાત ગેંગની કમ્મર ભાંગી નાખવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગેંગની પૂરી વિગતો મેળવી એજાજ સહિત 11 ઇસમો સામે અઠવાડિયા પૂર્વે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ પ્ર.નગર પોલીસે સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમહમદ મેણું, મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, માજીદરફીક ભાણું અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીને ઝડપી લીધા હતા, અને છએય આરોપીને 10 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

ગેંગના અન્ય ચાર ઇસમો રીયાઝ ઇસ્માઇલ દલ, રીઝવાન ઇસ્માઇલ દલ, યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કયડા અને શાહરૂખ ઉર્ફે રાજા ઓસમાણ ઉર્ફે બાબુ જુણાચ ખૂન અને લૂંટના ગુનામાં અગાઉથી જેલમાં હોય પ્ર.નગર પોલીસે શુક્રવારે ઉપરોક્ત ચારેય આરોપીઓનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ચારેયની ધરપકડ કરવામાં આવશે. પોલીસે ગેંગના સૂત્રધાર એજાજ અહેમદ ખીયાણીને ઝડપી લેવા તેના આશ્રય સ્થાનોએ તપાસ ચાલુ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...