દરોડો:પાર્કિંગમાં ઉતારેલો રૂ.4.20 લાખનો દારૂ દુકાનમાં શિફ્ટ કરતા’તા ને પોલીસ ત્રાટકી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લા પોલીસે પાંચ લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. રાજકોટના બોલબાલા માર્ગ, પીપળિયા હોલ પાસે આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તેમજ દુકાનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો આવ્યો હોવાની ભક્તિનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ આર.જે.કામળિયા સહિતના સ્ટાફે બાતમી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા સમયે બે શખ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વિદેશી દારૂના બોક્સ લઇ જઇ દુકાનમાં શિફ્ટ કરતા મળી આવ્યા હતા. પોલીસને જોતા તે બંને શખ્સ તાબે થઇ ગયા હતા.

બંનેની પૂછપરછ કરતા વિવેકાનંદનગર-2માં રહેતો ધવલસિંહ અજિતસિંહ પરમાર અને બીજો સહકાર મેઇન રોડ પર રહેતો પ્રદીપ બુધેશ ઉર્ફે બિપીન હરસોડા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂની ગણતરી કરતા રૂ.4.20 લાખની કિંમતની 840 બોટલ કબજે કરી છે. પોલીસે બંને શખ્સના કુલ પાંચ મોબાઇલ, દારૂ કબજે કરી ધરપકડ કરી છે. પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ગોપાલપાર્કના બૂટલેગર પ્રતિક ઉર્ફે કાળિયો અરવિંદ પરમારે મગાવ્યો હોવાની કબૂલાત આપી છે. જોકે, પોલીસ તેને પકડવા જતા તે નાસી છૂટ્યો હતો.

જ્યારે દારૂનો વધુ એક દરોડો લોધિકા પોલીસના પીએસઆઇ કે.કે.જાડેજા સહિતના સ્ટાફે મોટાવડા ગામે જયેશ સુરેશ બગડા નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જયેશ બગડા તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસને જોતા જ પોપટ બની ગયેલા જયેશે તેના મકાનના રસોડામાં બનાવેલા ભોં ટાંકામાં સંતાડેલો વિદેશી દારૂની 236 બોટલ કાઢી આપી હતી. ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા જયેશ બગડાની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સાંગણવાનો પ્રદીપ ઉર્ફે લાલો નાથા પરમાર પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી છે. પોલીસે સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...