શહેરમાં વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે પોલીસે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડી રૂ.4.16 લાખની કિંમતની વિદેશી દારૂની 1872 બોટલ સાથે 3 શખ્સને પકડી પાડ્યા છે. પુષ્કરધામ રોડ, કેવલમ સોસાયટી સામે આવેલા સરકારી આવાસ નજીકના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂ સાથેનું વાહન ઊભું હોવાની માહિતીના આધારે પોલીસે ગત મોડી રાતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન બોલેરો સાથે કોઠારિયા રોડ પરના કીર્તિધામ સોસાયટી-2માં રહેતા શાહરુખ અનવર સમા નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે વાહનની તલાશી લેતા અંદરથી રૂ.3.65 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 1608 બોટલ મળી આવી હતી.
પોલીસે કુલ 8.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં આ ગુનામાં કેવલમ આરએમસી આવાસમાં રહેતા શાહરુખ ઉર્ફે રિઝવાન શાહબુદ્દીન બેલીમની પણ સંડોવણી હોવાનું ખૂલતા બંને સામે ગુનો નોંધી શાહરુખને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે રૈયા ચોકડી નજીકથી વિદેશી દારૂની 48 બોટલ તેમજ 96 ચપલા મળી રૂ.63 હજારના વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે જાકીર અનવરશા શાહમદારને, તેમજ મોરબી રોડ, ખાટકીવાસ પાસેથી હડાળાના ઇકબાલ ઇબ્રાહિમ શાહમદારને રિક્ષામાં વિદેશી દારૂની 120 બોટલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.
જ્યારે શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી પાસે ચોરીનો બનાવ પોલીસમાં નોંધાયો છે. ગુંદાવાડી 1-19માં રહેતા ધર્મેશભાઇ કુંડલીકભાઇ સોલંકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની આજી ડેમ ચોકડી પાસે આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. દરમિયાન મંગળવારે રાબેતા મુજબ સવારે દુકાને જતા શટરના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા.
અંદર તપાસ કરતા બધી ચીજવસ્તુઓ વેરણછેરણ નજરે પડી હતી. બાદમાં દુકાનમાં રાખેલા રોકડા રૂ.1.86 લાખ પણ ગાયબ હોય ચોરી થઇ હોવાની ખબર પડતા આજી ડેમ પોલીસને જાણ કરી હતી. વેપારીના જણાવ્યા મુજબ, ઉપરોક્ત રોકડ દુકાનમાં કામ કરતા માણસોના પગારના તેમજ માલસામાનના બિલની ચૂકવણીના હતા. પોલીસે ગુનો નોંધી વિસ્તારના સીસીટીવી ચેક કરી તસ્કરનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.