મકરસંક્રાંતિના તહેવારને આડે હવે ગણતરીના જ કલાકો બાકી છે. આ વર્ષે પણ સરકાર તરફથી ચાઇનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આમ છતા બજારમાં ચાઇનીઝ દોરી અને તુકકલનું વેચાણ થઇ રહ્યું છે. રાજકોટ પોલીસ છેલ્લા 2 દિવસથી અલગ અલગ જગ્યા પર પતંગ બજાર અને પતંગ દોરીના સ્ટોલ પર ચેકીંગ હાથ ધરી રહી છે. ત્યારે આજે સદર બજાર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
120 નંગ ચાઇનીઝ દોરીના ટેલર સાથે વેપારી ઝડપાયો હતો
ઉતરાયણના પર્વને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાની કડક અમલવારી થાય તે માટે પોલીસ કાર્યવાહી કરી છે. 4 દિવસ પહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાધુવાસવાણી રોડ પર પોલીસે ગાર્ડન સીટી કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટાઇલ મંત્રા નામની દુકાનમાંથી 120 નંગ ચાઇનીઝ દોરીના ટેલર સાથે મિરાજ કટારીયા નામના ચાઈનીઝ દોરી સાથે પકડાયેલા વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ સાથે ત્રણ દિવસ પહેલા કોઠારીયા સોલ્વન્ટ પાસે સીઝનલ વેપારી સંજય સરવૈયા પાસેથી રૂ.10 હજારની 50 નંગ ચાઈનીઝ દોરી,રૂ.5 હજારની 250 નંગ ચાઈનીઝ તુક્કલ સહિત પોલીસે રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે અન્ય કિસ્સામાં મોરબી જકાતનાકા પાસે રૂ.1500ની 10 નંગ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી.
તુકકલની ઓનલાઇન ખરીદી પણ કરી શકે છે
ઉલ્લેખનિય છે કે લોકો તુકકલની ઓનલાઇન ખરીદી પણ કરી શકે છે અને જેનું પણ વેચાણ થઇ રહ્યું ત્યારે તુક્કલ ઉડાવનાર કોઈ ઝડપાશે તો તેમના સામે પણ પોલીસ કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.