કેટલાક ગંભીર ગુનાઓ જામીનલાયક હોવાને કારણે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સો વારંવાર આવા ગુના આચરી કાયદાની ઐસીતૈસી કરી રહ્યાં છે. ત્યારે શહેરના સ્લમ વિસ્તારમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા લેભાગુ તત્વો ડિગ્રી ન હોવા છતા પોતાનો આર્થિક લાભ લેવા માટે બીમાર લોકોને દવા, ઇન્જેકશન આપી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
પોલીસતંત્ર દ્વારા આવા લેભાગુ તત્વોને અવારનવાર પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ એક બનાવમાં ગોંડલ રોડ, કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે એક શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠો હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી ગોકુલધામ પાસે, ગીતાંજલી સોસાયટી-4માં રહેતો ધોરણ 12 પાસ મેકરણ દેવકરણ સુરૂ નામના શખ્સને પકડી પાડયો છે.
પકડાયેલો શખ્સ અહિં સારવાર માટે આવતા દર્દીઓને એલોપેથીક દવા, ઇન્જેકશન આપતો હતો. ડિગ્રી ન હોવા છતા બીમાર લોકોને દવા, ઇન્જેકશન આપતા શખ્સની કથિત ક્લિનિકમાંથી પોલીસે દવા, મેડિકલના સાધનો વગેરે મળી રૂપિયા 5409નો મુદામાલ કબજે કર્યો છે. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ તે નવ વર્ષ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ છેલ્લા એક વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.