સાયબર ક્રાઇમ:જૂનાગઢના કારખાનેદારના ખાતામાંથી 49 લાખ ઉઠાવી લેનાર પશ્ચિમ બંગાળના બે સાયબર માફિયાને પોલીસે ઝડપી લીધા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ મોબાઇલ નંબર મેળવી અન્ય કંપનીમાંથી એજ નંબરનું સીમકાર્ડ મેળવી 8 ટ્રાન્ઝેક્શનથી રકમ ઉપાડી લીધી
  • સાયબર માફિયાઓ પરપ્રાંતના હોય તેને પકડવા મુશ્કેલ છે તેવી વાતો કરતી પોલીસને જૂનાગઢની ખાખીએ બતાવ્યો રાહ

જૂનાગઢના કારખાનેદારના બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની માહિતી મેળવી સાયબર માફિયાઓએ 8 ટ્રાન્ઝેક્શન કરી રૂ.49 લાખ ઉપાડી લીધા હતા, જૂનાગઢ પોલીસે આ પડકારજનક કેસનો ભેદ ઉકેલી પશ્ચિમ બંગાળમાં દરોડો પાડી બે આરોપીને ઝડપી લઇ રોકડા રૂ.1.23 લાખ કબજે કર્યા હતા.

જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને દોલતપરામાં માર્સ બેરિંગ્સ પ્રા.લિ. નામે ફેક્ટરી ધરાવતા હિતેષભાઇ મનસુખલાલ સોલંકી (ઉ.વ.54) પોતાના બેંક ખાતામાંથી રૂ.49 લાખ ઉપડી ગયાની ફરિયાદ નોંધાવી હતી. હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી કોઇ શખ્સોએ બારોબાર 8 ટ્રાન્ઝેક્શન કરી રૂ.49 લાખ ઉઠાવી લીધા હતા.

લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવતા પીઆઇ કે.કે.ઝાલા, એસ.એન. ગોહિલ સહિતની ટીમે તમામ વ્યવહારનું વિશ્વલેષણ કરી તપાસ કરતાં આરોપી પશ્ચિમ બંગાળના હોવાની માહિતી સ્પષ્ટ થઇ હતી, જૂનાગઢ પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ દોડી ગઇ હતી અને ત્યાંથી સુકલાલ તલુકદાર તુકારામ તલુકદાર (ઉ.વ.63) અને બાસુદેબ બચર કાલીપાડા બચર (ઉ.વ.42)ને ઝડપી લઇ જૂનાગઢ લઇ આવ્યા હતા.

પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, અલગ અલગ કંપનીના સીમકાર્ડ અને રકોડા રૂ.1,23,500 કબજે કર્યા હતા. પરપ્રાંતીય આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હતી, તેની ગેંગમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે સહિતના મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પેઢી કે કંપનીને ટાર્ગેટ કરી તેની બેંક એકાઉન્ટની વિગતો મેળવી કાવતરું પાર પાડે છે
આરોપીઓ પશ્ચિમ બંગાળ સિવાયના અન્ય રાજ્યની કોઇ મોટી પેઢી કે કંપનીને ટાર્ગેટ કરે છે, ત્યારબાદ તે પેઢી કે કંપનીના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લઇ તે બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર કરવામાં આવેલા મોબાઇલ નંબરનું સીમકાર્ડ બનાવટી ડોક્યુમેન્ટના આધારે મેળવી લઇ બેન્ક એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝર પાસવર્ડ પણ મેળવી લે છે. ત્યારબાદ તે બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમના આરટીજીએસથી ટ્રાન્ઝેક્શન કરી લઇ ટ્રાન્સફર કરેલા રૂપિયા અલગ અલગ અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડીથી મેળવેલી તમામ રકમ ઉઠાવી લે છે.

આરોપીઓ પોતાના એકાઉન્ટ અન્યને ભાડે આપે છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા પશ્ચિમ બંગાળના આરોપીઓ અલગ અલગ બેન્કમાં પોતાના નામના ખાતા ધરાવે છે, જ્યારે તેમની ગેંગનો કે અન્ય કોઇ ગેંગનો આરોપી છેતરપિંડીથી ઓનલાઇન નાણાં ખંખેરે ત્યારે આ આરોપી તેના બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હતા, પોતાના બેન્ક એકાઉન્ટમાં જેટલી રકમ જમા થાય તેમાંથી રૂ.1 લાખના બદલામાં રૂ.2 હજાર કમિશન પેટે લેતા હતા. જ્યારે બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડવાની થાય ત્યારે પોતે જ ચેક મારફતે કે સેલ્ફ વિડ્રોલ પણ કરી આપતા હતા.

બેન્ક કર્મી અને મોબાઇલ કંપનીના કર્મચારીઓ શંકાના દાયરામાં
જૂનાગઢના કારખાનેદારના બેન્ક એકાઉન્ટમાં કેટલી રકમ છે, તેના બેન્ક એકાઉન્ટમાં કારખાનેદારે ક્યો મોબાઇલ નંબર આપેલો છે તે વિગત બેન્કના કોઇ કર્મચારી સિવાય આરોપીઓ સુધી પહોંચી શકે નહીં તેમજ મોબાઇલ કંપનીના કર્મચારીઓ પણ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી નથી અને બોગસ ડોક્યુમેન્ટ હોવા છતાં સીમકાર્ડ કાઢી આપી આરોપીઓને પરોક્ષ રીતે મદદગારી કરવામાં આવે છે. જૂનાગઢ પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...