નિર્દેશ:પોલીસના હાથમાં રબ્બરના ધોકા નહીં, યુનિફોર્મની લાઠી જ હોવી જોઇએ : CP

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેકિંગ સમયે કેટલાક પોલીસ સ્ટાફના હાથમાં રંગબેરંગી ધોકા જોઇને કર્યો આદેશ

ટ્રાફિક પોલીસ હોય, વોર્ડન હોય કે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ તમામના હાથમાં રંગબેરંગી પ્લાસ્ટિકના ધોકા જોવા મળે, આ ધોકા એટલા સહજ બન્યા હતા કે પોલીસ પણ ભૂલી ગઇ હતી કે તેઓ જે ધોકા લઇને ફરે છે તે યુનિફોર્મની વિરુદ્ધ છે, રવિવારે બકરી ઈદના બંદોબસ્તના ચેકિંગમાં નીકળેલા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઠેર ઠેર પોલીસના હાથમાં આ ધોકા જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને પ્લાસ્ટિકના ધોકા બંધ કરીયુનિફોર્મની લાઠી જ હવેથી હાથમાં હોવી જોઇશે તેવો આદેશ કર્યો હતો અને આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીનો નિર્દેશ પણ આપ્યો હતો.

શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી થાય અને શાંતિનો માહોલ ડહોળાય નહીં તે માટે ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ચેકિંગમાં નીકળ્યા હતા, કોર્પોરેશન ચોક પાસેની મસ્જિદે તેઓ પહોંચ્યા ત્યારે બંદોબસ્તમાં રહેલા મહત્તમ પોલીસ કર્મચારીઓના હાથમાં પ્લાસ્ટિકના રંગબેરંગી ધોકા જોઇને તેઓ ચોંકી ગયા હતા, અને આવા દૃશ્યો તેમને ત્યાં પહોંચતા સુધીમાં અન્ય પોઇન્ટ પર પણ જોવા મળ્યા હતા.

કમિશનર ભાર્ગવે બંદોબસ્ત સ્થળ પરથી જ સૂચના આપી હતી કે, પોલીસ કર્મચારી પૂરા યુનિફોર્મમાં યુનિફોર્મની નિયત લાઠી સાથે જ હોવા જોઇએ, જે કર્મચારી આ નિયમનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો. પોલીસના હાથમાં જોવા મળતા આવા અનધિકૃત ધોકા માથાભારે શખ્સો પણ લઇને માથાકૂટ કરવા ઉતરે ત્યારે સામેની વ્યક્તિ કે ત્યાં હાજર લોકોને ઝઘડો કરી રહેલો વ્યક્તિ પોલીસ હોય તેવું લાગતું હોય છે, સમાજમાં પોલીસની આવી છાપ ઉપસે નહીં અને આવા ધોકા લઇને ફરતા તત્ત્વો પણ ઓળખાય જાય તે હેતુથી કમિશનરે કરેલા આદેશની આગામી દિવસોમાં અસર પણ જોવા મળશે, લાંબા સમયથી યુનિફોર્મની લાઠી ભૂલી ગયેલા પોલીસ કર્મચારીઓ કમિશનરના આદેશ બાદ યુનિફોર્મની લાઠી શોધવા નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...