આરોપીઓને બચાવવાનો કારસો?:કાગદડી મહંત આપઘાત કેસમાં પોલીસે સ્યૂસાઇડ નોટ છુપાવનારને જ સાક્ષી-ફરિયાદી બનાવ્યા, બે તબીબ સામે કાર્યવાહી કરવામાં PI ચુડાસમાની પીછેહઠ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક મહંત - ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતક મહંત - ફાઈલ તસ્વીર

કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસના આપઘાત મામલામાં પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ આ ભેદભરમવાળી ઘટનામાં અનેક લોકોને પોલીસ બચાવવા મથી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જે સ્યૂસાઇડ નોટના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે તે સ્યૂસાઇડ નોટ પાંચ પાંચ દિવસ સુધી સાત ટ્રસ્ટીઓએ છુપાવી રાખી હતી તેમની સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે એકને ફરિયાદી બનાવી અન્યોને સાક્ષી બનાવી બચાવી લેવાનો ખેલ શરૂ કર્યો છે.

સ્યૂસાઇડ નોટ મળતા પોલીસ એક્શનમાં આવી
મહંત જયરામદાસનું તા.1ના રોજ મૃત્યુ થયું હતું, મહંતનું કુદરતી મૃત્યુ થયાનું બે તબીબોએ જાહેર કરી તેમની અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી. તા.6ના રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ રાજપૂત પાસે સ્યૂસાઇડ નોટ આવી હતી અને તેમણે પોલીસને સ્યૂસાઇડ નોટ આપતા પોલીસ હરકતમાં આવી હતી અને સ્યૂસાઇડ નોટના આધારે પેઢાવાડાના અલ્પેશ પ્રતાપ સોલંકી, પ્રશ્નાવડાના હિતેષ લખમણ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના વિક્રમ દેવજી સોહલા સામે ગુનો નોંધ્યો હતો.

ટ્રસ્ટીઓએ હકીકત છુપાવી હતી
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.30ના મહંત જયરામદાસ પર વિક્રમ સોહલાએ હુમલો કર્યો હતો ત્યારે આશ્રમના એક ટ્રસ્ટી રક્ષિત હાજર હતો, બીજું મહંત તા.1ના મૃત હાલતમાં મળ્યા ત્યારે જ મહંતની 20 પેજની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જે બાબતથી આશ્રમના ટ્રસ્ટીઓ રામજી લીંબાસિયા, તેમજ રક્ષિત ડો.નિમાવત, જીતુભા અને અરવિંદસિંહ વાકેફ હતા, મહંતનું કુદરતી મૃત્યુ નહીં પરંતુ તેમણે આપઘાત કર્યો હતો અને તેમણે સ્યૂસાઇડ નોટ લખી હતી તે જાણ હોવા છતાં ઉપરોક્ત લોકોએ સ્યૂસાઇડ નોટ દબાવી રાખી હતી અને પોલીસને સાચી ઘટનાની જાણ કરી નહોતી, આમ છતાં પોલીસે આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાને ફરિયાદી બનાવ્યો હતો જ્યારે અન્ય લોકોના નિવેદનો નોંધી તેને સાક્ષી બનાવવાનો પોલીસે ખેલ શરૂ કર્યો હતો.

ડેથ સર્ટિ આપનાર તબીબ પર કાર્યવાહી ન કરી
મહંતને બ્લેકમેઇલ કરી આપઘાત માટે મજબૂર કરનાર ત્રણ આરોપીને પોલીસ હજુ સુધી પકડી શકી નથી, એટલું જ નહી ડો.નિમાવત અને તેમના કહેવાથી ડેથ સર્ટિફિકેટ આપનાર તબીબ સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી અને મહંત પાસે જે બે યુવતીઓને મોકલવામાં આવતી હતી તે બંને યુવતીઓ પણ આ સમગ્ર કારસાનો હિસ્સો હોવા છતાં તેની સામે કાર્યવાહીમાં પોલીસ પીછેહઠ કરી રહી છે. 1008ની ઉપાધી ધરાવતા સંતે કેટલાક શખ્સોના ત્રાસથી આપઘાત કર્યો છે. આમ છતાં પીઆઇ ચુડાસમા કેટલાક લોકોને બચાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...