કાર્યવાહી:પતિ હેરાન કરતો હોવાની ફરિયાદની તપાસમાં ગયેલી પોલીસને શરાબ મળ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં 3 દરોડામાં 2.92 લાખનો વિદેશી દારૂ પકડાયો

વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાની ઝુંબેશમાં પોલીસે શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક મળી ચાર દરોડામાં રૂ.2.92 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ચાર શખ્સને પકડી પાડ્યા છે. પાંજરાપોળ શાળા નં.14 પાસે રહેતી રૂપલ નામની પરિણીતાને તેનો પતિ ધીરજ ઉર્ફે ધીરિયો ગોવિંદ સાથલપરા હેરાન કરતો હોય તેના વિરુદ્ધ ફરિયાદ કરવા મંગળવારે બી ડિવિઝન પોલીસમથક દોડી ગઇ હતી. પોલીસે મહિલાની વિગત સાંભળ્યા બાદ હેડ કોન્સ.એચ.જે.જોગડા સહિતનો સ્ટાફ તપાસ કરવા મહિલાના ઘરે દોડી ગયા હતા.

તપાસ કરવા પહોંચેલી પોલીસને ઘરમાંથી વિદેશી દારૂની 24 બોટલ સાથે ધીરજ ઉર્ફે ધીરિયો મળી આવ્યો હતો. પોલીસે ધીરજ ઉર્ફે ધીરિયાની ધરપકડ કરી શરાબનો જથ્થો ક્યાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પૂછપરછનો દોર શરૂ કર્યો છે. અન્ય એક દરોડો ક્રાઇમ બ્રાંચે કોઠારિયા સોલવન્ટમાં પાડ્યો હતો. પોલીસે એક ઓરડીમાંથી દીનદયાળનગર ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા યોગેશ ઉર્ફે કાળુ લાલજી તુંગરિયાને રૂ.1,75,995ના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બે લિટરના 36 જગ અને 129 ચપલા સાથે પકડી પાડ્યો છે. તદઉપરાંત પુનિતનગર પાસેના ભારતનગર-3માંથી હોન્ડા સિટી કારમાં વિદેશી દારૂની 35 બોટલ સાથે નીકળેલા જયદીપસિંહ વિરમદેવસિંહ ઝાલાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે.

રાજકોટ જિલ્લાની ગુનાશોધક શાખાએ શાપરના પડવલા નજીકથી એક કારને પકડી પાડી હતી. કારની તલાશી લેતા અંદરથી અડધા લાખની કિ઼મતની વિદેશી દારૂની 108 બોટલ સાથે રાજકોટના શિવનગર-4ના યાજ્ઞિક ઉર્ફે રાધે ઉર્ફે બાઠિયો વાલજી કોલાદરાને પકડી પાડ્યો છે. પોલીસે દોઢ લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા શખ્સને શાપર પોલીસને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...